નવસારી જિલ્લા વહીવટીતંત્ર આયોજીત ખેડૂત ખાટલા સભા નવસારીના ધારાગીરી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
ખેડૂત ખાટલામાં સભામાં ધારાગીરીના ગ્રામજનોએ નિખાલસપૂર્વક પડતી તકલીફ વિશે રજૂઆત કરી હતી. જેમાં વીજ કનેકશન કામગીરી તથા વીજ અનિયમિતતા, સિંચાઇની કેનાલ રીપેરીંગ તથા નિયમિત પાણી મળવા અંગે, ખાનગી જમીન પરથી વીજપોલ હટાવવા બાબતે તેમજ ગામમાં જર્જરીત વીજપોલ હટાવી નવા નાંખવા બાબત,ા તળાવની ફરતે પ્રોટેકશન વોલ બનાવવા, વારસાઇને લગતા પ્રશ્નો, રબારી સમાજના ઢોરો દ્વારા ઉભા પાકને નુકશાન તેમજ અન્ય ખેતીલક્ષી પ્રશ્નોની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખેડૂતોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતાં. ત્યારબાદ કલેકટરશ્રીએ જે-તે વિભાગના અધિકારીઓને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ સમયમર્યાદામાં કરવા જણાવ્યું હતું. પર્યાવરણને લગતા તથા રખડતા પશુ પકડવા જેવા પ્રશ્નોનો થોડો સમય લાગશે પરંતુ ચોકકસપણે નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરી, તબકકાવાર નિકાલ કરાશે તેમ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500