માહિમમાં મખદૂમ અલી માહિમીની દરગાહ પર દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ તારીખ 27મી ડિસેમ્બરથી વાર્ષિક મેળો શરૂ થશે. જેમાં પરંપરા મુજબ, માહિમી પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું એક જૂલુસ પણ ચાદર, શોલ પ્રસાદ લઈ દરગાહ પર જશે. આ મેળો ઉર્સ અથવા તેમના સંતની પુણ્યતિથી બાદના છઠ્ઠા દિવસથી શરુ થાય છે. આ મેળાનું આ વર્ષે 113મું વર્ષ છે. પીર મખદૂમ સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટના એક ટ્રસ્ટીએ એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ઉર્સ દરમ્યાન દરગાહની આસપાસ લાગતો આ મેળો એક 'રાજપત્રિત મેળો' (ગેઝેટેડ મેલા) છે, કારણ આ આયોજન સ્વાતંત્ર્ય પૂર્વ દિવસોથી સરકારી રાજપત્રોમાં સૂચિબદ્ધ રીતે 1910માં શરૂ થયો હતો. જેનું આ 113મું વર્ષ છે. આ દરગાહ એ એક ધાર્મિક વિદ્વાનની કબરના રુપમાં પ્રતિષ્ઠિત છે, એવું મનાય છે કે, 14-15મી સદીમાં તેઓ અહીં રહેતાં હતાં અને તેમના અનેક ચમત્કારોની વાર્તાઓ પણ છે.
શહેરમાં હાજીઅલી બાદ સૌથી વધુ મુલાકાત પ્રવાસી-પર્યટકો આ દરગાહની લેતાં હોય છે. ખાસ આ મેળો જોવા કેટલાંક વિદેશીઓ તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો આ સમયે અહીં આવતાં હોય છે. ગયા સપ્તાહે ઉર્સની શરુઆત રાષ્ટ્ર ધ્વજ ફરકાવી 'સારે જહાં સે અચ્છા' ગીતના ગાયન સાથે થઈ હતી. ત્યારબાદ પોલીસ તેમજ દરગાહના ધ્વજ ફરકાવાયા હતા. આ માત્ર ધાર્મિક સ્થળ જ નથી તો અહીં ભારતના સંવિધાનની એક પ્રત પણ દરગાહના આંતરિક ગર્ભગૃહની દિવાલ પર લગાવાઈ છે. આથી અહીં કોઈ નાત-જાતના ભેદ ન હોઈ તમામ દેશવાસીઓ માટેનો આ મેળો અને આ ધાર્મિક સ્થળ છે, એવો સંદેશો પણ વહેતો થાય છે. મેળાની રોશની, વિવિધ એમ્યુઝમેન્ટ રાઈડ્સ, આખા ભારતભરમાંથી આવતાં વિવિધ વિતરકોના સ્ટૉલ્સ અને હલવા પરાઠાને કારણે આજે માહિમ બીચ સુધી ફેલાતો આ મેળો મુબંઈનું એક પર્યટન સ્થળ બની ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500