Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજાયું

  • March 02, 2024 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પોરબંદર શહેરના બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએએફ ગ્લોબલ  સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન જરાય પણ ઘટતું નથી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તેમ જણાવીને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને તેમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર કેટલા ઉપયોગી છે તે અંગેની ઝીણવટભરી માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કર્યા હતા.

તેઓએ વધુમાં કહ્યું કે ,રાજ્યસભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી સરકાર ખૂબ જ ઝડપથી ઝેરમુક્ત ખેતીની દિશામાં કામ કરશે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી આપણે બચવું હોય તો પ્રાકૃતિક ખેતી એકમાત્ર  વિકલ્પ છે. જલ સંરક્ષણ અને  ભૂમિની ફળદ્રુપતાને કેવી રીતે બચાવી શકાય તેની સમજ પણ તેઓએ આપી હતી. ધરતી આપણી માતા છે અને હજારો પેઢીથી દરેકનું પાલનપોષણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કરે છે, ધરતીમાતા જીવનદાતા તરીકે સૌને અન્ન આપે છે. વનસ્પતિ અને જીવન જીવવા આપે છે, ત્યારે ધરતી મા ને કેમિકલયુક્ત ખેતીથી આપણે ઝેરીલી બનાવી દીધી હોવા અંગે આચાર્ય દેવવ્રતજીએ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાકૃતિક ખેતી જેણે અપનાવી છે તે ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેરિત કરે અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ઈશ્વરીય કાર્ય કરે તે માટે તેમણે પ્રેરક વાત કરી હતી.


ખેડૂતોની આવક વધે, ખેડૂતો સમૃદ્ધ બને, સ્વસ્થ-ખુશહાલ બને અને આપણી ધરતી માતાને ઝેરીલી થતી બચાવી શકાય તેવા નિર્ધાર સાથે  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને  જ્યારે હું મળું છું ત્યારે તેઓ પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખૂબ જ પ્રેરિત કરે છે. આર એ એફ ગ્લોબલ સંસ્થાના શ્રી રિઝવાનભાઈ આડતીયાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા તે અંગે આભાર વ્યક્ત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ખેડૂતોને આવકારી તેમની સંસ્થા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રાકૃતિક ખેતી માટે કાર્યરત છે તેમ જણાવ્યુ હતું. તેઓએ આર એ એફ ગ્લોબલ સંસ્થાનો પરિચય સૌને આપ્યો હતો. જિલ્લા કલેકટર કે.ડી લાખાણીએ મહાત્મા ગાંધીજીની ભૂમિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પૂજ્ય બાપુને પ્રિય એવો ચરખો આપીને સ્વાગત કર્યું હતું . આર એ એફ ગ્લોબલ ફાઉન્ડેશનના ચેરમેન રિઝવાનભાઈ આડતીયાએ પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીને આવકાર્યા હતા.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો ઝેરમુક્ત ખેતી કરે તે દિશામાં કાર્યરત હોવાથી આરએએફ ગ્લોબલ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને વીડિયોના માધ્યમથી અળસિયાનું મહત્વ સમજાવી પ્રાકૃતિક ખેતી વિશેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  રેખાબા સરવૈયા તેમજ અન્ય અધિકારીઓ ઉપરાંત જિલ્લાભરના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કેમિકલયુક્ત દવાના છંટકાવથી કર્મચારી બેભાન થતાં  રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનું બીડું ઝડપ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા તેઓને ક્યાંથી મળી તે અંગે જણાવતાં કહ્યું હતું કે, તેમના નિવાસસ્થાન હરિયાણાના કુરુક્ષેત્રમાં બસો હેક્ટર ખેતીની જમીન છે, તેમાં તેઓ કેમિકલયુક્ત ખેતી કરતા હતા, તે સમય દરમિયાન દવાનો છંટકાવ કરતા તેમના કર્મચારી માત્ર દવાની અસરથી બેભાન થઈ ગયા હતા. આ વાતને ગંભીરતા લઈ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કરી લીધો અને ત્યારથી જ તેઓએ બીડુ ઝડપી આ ધરતી માતાને ઝેરમુક્ત બનાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application