Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી ખાતે સાંસદના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો 'વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો

  • October 06, 2023 

સુરત વન વિભાગ દ્વારા 'વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી’ અંતર્ગત માંડવી રેસ્ટ હાઉસ- સ્થિત કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્ર ખાતે સાંસદ પ્રભુભાઈ એન. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન્ય જીવ સંરક્ષક ધારો ૧૯૭૨ અંતર્ગત કાયદાઓ, ગુજરાતની જૈવિક વિવિધતા અને વન સંપદા, સુરત જિલ્લાનો વન વિસ્તાર અને પ્રાકૃત્તિક પરિવેશ વિષે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, વન્‍ય જીવોનું નૈસર્ગિક રહેઠાણ વૃક્ષો-જંગલો છે. આપણી પ્રાચીન સંસ્‍કૃતિ વન્‍યપ્રાણીઓનું જતન કરતાં શીખવે છે. પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોની સાથે વન્‍યપ્રાણીઓને બચાવવાની, તેમને સંરક્ષિત પણ આપણી મુખ્ય ફરજ છે એમ જણાવી તેમણે પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરનાર સહયોગી સંસ્‍થાઓને બિરદાવી હતી. સાંસદશ્રીએ પ્રકૃત્તિને સંતુલિત રાખવા વન્યજીવો સાથે માનવજાતિએ સાયુજ્ય સાધવું જરૂરી છે એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા ઉમેર્યું કે, વન્ય જીવો સાથે માનવીનો સંઘર્ષ નિવારવા જનજાગૃતિ અતિ જરૂરી છે.



વન્યજીવો આપણા મિત્રો છે એવી જાગૃતિ બાળકો, યુવાનોમાં પહોંચે એવા સહિયારા પ્રયાસો કરવા સૌને અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે વાંસને ઝાડની વ્યાખ્યામાંથી બહાર કરી વિશાળ ઘાસનો દરજ્જો આપ્યો છે. જેથી વાંસ હવે એક પ્રકારનું ઘાસ હોવાથી તેને સરકારની પરવાનગી વિના કાપી શકાય છે અને વેચાણ કરી શકાય છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમાર (IFS)એ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, નવરાત્રિની ઉજવણી લોકો જે ઉત્સાહથી કરે છે એવા જ ઉત્સાહથી દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થવી જોઈએ. કારણ કે, વન્યજીવોના જતન- સંરક્ષણમાં જનભાગીદારી પ્રાથમિક શરત છે. તેમણે પ્રકૃતિના રક્ષણ માટે વનવિભાગ અને સામાજિક સંસ્થાઓ, મીડિયા પ્રતિનિધિઓએ ખભે-ખભા મિલાવી ટીમ વર્કથી કાર્ય કરવા અપીલ કરી હતી. નાયબ વન સંરક્ષક આનંદકુમાર (IFS)એ જણાવ્યું કે, જંગલો અને જંગલ જીવોને સાચવવા એ સભ્ય નાગરિક તરીકે આપણી સૌની સહિયારી જવાબદારી છે.



વન્ય જેવો પ્રકૃતિના અભિન્ન અંગ છે એમ જણાવી સુરત વન વિભાગની પાયાની કામગીરીની વિગતો રજૂ કરી હતી તેમજ સામાજિક સંસ્થાઓ, મીડિયાના સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મિડ ડે દૈનિકના આસિ. એડિટરશ્રી રણજીત જાધવે વન્ય જીવ સંરક્ષણમાં મીડિયા પ્રતિનિધિઓની ભૂમિકા અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે, જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે મીડિયાકર્મીઓ પાયાની યોગદાન આપી પ્રકૃતિના સંવાહક બની વનસેવા કરી શકે છે. તેમણે સંજય ગાંધી નેશનલ પાર્કના વન્ય જીવો, મુંબઈમાં દીપડાઓ માનવ વસ્તીમાં ઘુસી જતા ભયના વાતાવરણ અને તેના રેસ્ક્યુ પ્રક્રિયા, લોકજાગૃતિમાં થયેલા વધારા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના વાઈલ્ડ લાઈફ બાયોલોજીસ્ટ નિકિત સુર્વેએ દીપડાઓમાં રેડિયો કોલરિંગ, મુંબઈ સબ અર્બનના વાઈલ્ડ લાઈફ વોર્ડન મયુર કામનાથે દીપડા અને માનવીઓ વચ્ચે સર્જાતા સંઘર્ષ અને તેના ઉકેલની જાણકારી આપી હતી.



સુરત વન વિભાગના પ્રતિનિધિશ્રી કૌશલ મોદીએ દીપડાઓ સંદર્ભે કેસ સ્ટડી રજૂ કરી હતી. માંડવી સાઉથ રેન્જના RFO અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એચ.જે. વાંદાએ વન્યજીવ અપરાધની સામે કાનૂની કાર્યવાહી અને વન્યપ્રાણી અપરાધના ગુન્હા ઉકેલવાની પ્રક્રિયા વર્ણવી હતી. RFO એ.જી.પટેલે આભારવિધિ આટોપી હતી. પ્રારંભે સ્‍વાગત પ્રવચન કરતા મદદનીશ વન સંરક્ષક(માંડવી) એન.એલ.વરમોરાએ સૌને આવકારી વન્‍ય પ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ વેળાએ વન્ય સંપદા, વન્યજીવોની જાળવણી માટે તેમજ સ્થાનિક નાગરિકોના દીપડાઓ સાથેના સંઘર્ષ ટાળવા માટે સરાહનીય પ્રયાસો કરનાર સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વન વિભાગના અધિકારી-કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સ્ટાર ટ્રોફી, વોર્ડન ટ્રોફી અને મેમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application