Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ હોસ્પિટલ ખાતે મનોચિકિત્સા વિભાગ દ્વારા વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો

  • April 18, 2023 

સશક્ત સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં વ્યસનમુક્ત રહેવા સંઘર્ષ કરી રહેલા લોકોમાં જાગૃતિ અને સમર્થન માટે નવી સિવિલ હોસ્પિટલ સ્થિત નવી સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત હોલ ખાતે નવી સિવિલના નશામુક્તિ કેન્દ્ર, મનોચિકિત્સા વિભાગ-સુરત દ્વારા આલ્કોહોલિક્સ એનોનિમસ સંસ્થાના સહયોગથી નિઃશુલ્ક વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, મનુષ્ય જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં વડીલોને, માતાપિતાને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ વ્યસનનો વારસો મળે છે. સામાન્ય રીતે જે વ્યક્તિ ભાવુક હોય છે તે વ્યક્તિ વધારે નશો કરતા હોય છે. વધુમાં તોમરે જણાવ્યું હતું કે, “લાઈફ ઈઝ બ્યુટીફુલ”. આપણું જીવન અતિ સુંદર છે, પણ તેને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જીવનમાં વ્યસનથી ‘END OF LOVE’ની શરૂઆત થાય છે.






સમાજનો જાગૃત વ્યક્તિ જે ધારે કરી શકે છે. આપણા થકી અન્યને જેટલી હેપ્પીનેસ આપીશું તેનાથી અનેકગણી ખુશી આપણને ભેટ સ્વરૂપે પાછી મળશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. જાગૃત્ત વ્યક્તિ જિંદગીને ખુશહાલ અને જીવવાલાયક બનાવવા સમર્થ હોય છે. અમૂલ્ય માનવ જિંદગી શરાબના વ્યસનમાં ડુબાડવા માટે નથી જેથી સૌના સહિયારા પ્રયાસોથી વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે હાંકલ કરી હતી. આલ્કોહોલિક એનોનિમસના સભાસદોના અનુભવના આધારે સામાન્ય કરતા અતિ માત્રામાં દારૂનું સેવન કરવું એ એક બીમારી છે, જેને ક્રોનિક આલ્કોહોલિક કહેવાય. આ સેમિનારમાં સરકારી મેડિકલ કોલેજના ડિન અને માનસિક રોગ વિભાગના વડા ડો. ઋતમ્ભરા મહેતા, મનોચિકિત્સક ડો.આશિષ દેશપાંડે, માનસિક રોગ વિભાગના સહપ્રાધ્યાપક ડો. કમલેશ દવે, આલ્કોહોલિક્સ એનોનિમસના મેમ્બર્સ, નર્સિંગ સ્ટાફ, તબીબો, મેડિકલ વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.






આલ્કોહોલિક એનોનિમસ: પોતાને દારૂનું વ્યસન છે એવું સ્વીકાર કરનાર કોઈ પણ વ્યક્તિ જાતિ, ધર્મ કે ઉમરના ભેદભાવ વિના વ્યસન છોડવા મદદ મેળવી શકે છે. આલ્કોહોલિક એનોનિમસ એ વિશ્વવ્યાપી સ્વૈચ્છિક સ્વસહાય સંસ્થા છે. એમાં જેમને અગાઉ વ્યસન હતું, પરંતુ અત્યારે જેઓ દારૂથી મુક્ત છે તેવાં લોકો અન્ય વ્યસનમુક્ત થવા માગતા લોકોને મદદ કરે છે. પોતાને દારૂનું વ્યસન છે એવું સ્વીકાર કરનાર કોઈ પણ વ્યક્તિ જાતિ, ધર્મ કે ઉમરના ભેદભાવ વગર મદદ મેળવી શકે છે. તેઓ બંધબારણે મિટિંગ ગોઠવે છે, અને વ્યસનીના વ્યક્તિગત અનુભવો, શક્તિ અને આશાની આપલે કરે છે. કટોકટીના સમયે જ્યારે તલપ જાગે ત્યારે આલ્કોહોલિક એનોનિમસના સાથીને તે જાણ કરે તો તે સાથ આપે છે અને દારૂથી દૂર રાખે છે.






સંસ્થાના સભ્ય થવા એકમાત્ર જરૂરીયાત છે દારૂ છોડવાની ઈચ્છા. સમગ્ર દુનિયામાં કાર્યરત આલ્કોહોલિક એનોનીમસ સંસ્થાની સુરત શાખામાં દૈનિક સભાઓ મળે છે જેના હેલ્પલાઈન નં.- ૯૪૨૮૦ ૬૦૦૨૦ ઉપર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શક્શે. દારૂ વિશેની આ માન્યતાઓ ભ્રામક છે જેમાં દારૂ પીવા સાથે પોષક આહાર લઈએ તો દારૂથી થતું નુકસાન અટકે છે, દારૂ પીવાથી સારી ઊંઘ આવે અને ભૂખ વધારે લાગે છે, દારૂથી ટેન્શન દૂર થાય છે, દારૂ ચિંતારોગ અને ઉદાસી મટાડે છે. દારૂ કામેચ્છા વધારે છે, એક વખત દારૂનું વ્યસન થઈ જાય તો છોડવું અશક્ય છે, જો છોડવાના પ્રયાસો કરીએ તો મોત થઇ શકે છે, વિદેશી દારૂ પીવાથી કોઈ નુકશાન નથી, જે નુકશાન થાય છે તે તો ફક્ત દેશી દારૂ થી જ થાય છે, થોડાં પ્રમાણમાં દારૂ લઈએ તો તે દવા છે, દારૂ શરદી ખાંસી મટાડે છે, હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application