અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે. આજે શહેરમાં ટાગોર હોલ ખાતે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વધી રહેલા ગુનાખોરીનો આંક કાબુમાં લેવા માટે તેમણે પોલીસને આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જી.એસ મલિક દ્વારા પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
તેમણે આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ વધી છે અને સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં નોંધાઈ રહી છે. અન્ય ક્રાઈમની વાત કરીએ તો શહેરમાં ક્રાઈમ કાબુમાં છે. સાયબર ક્રાઈમની ઘટનાઓ વધવાથી 5-6 પોલીસ ઇન્સપેક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આઠ મહિનામાં અમદાવાદમાં ખૂનના 77 ગુનાઓ થયાં છે અને તેને ડિટેક્ટ કરી લેવાયા છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસની કામગીરીના વખાણ થયા હતા. ખાસ કરીને હથિયારોના ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓની પ્રશંસા કરાઈ હતી. પોલીસ કમિશનર જી.એસ મલિકે પોલીસ કર્મીના તોડકાંડ પર કહ્યું કે, સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘટના દુઃખદ હતી. આ મામલે પોલીસે સહેજ પણ રહેમ દેખાડ્યા વગર કડક કાર્યવાહી કરી છે. પોલીસે તાત્કાલિક FIR નોંધીને આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ, જુગાર, નાર્કોટિક્સ વગેરે જેવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ પોતાની શક્તિથી કાર્યવાહી કરે અને આવી પ્રવૃતિઓને નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500