વાલોડના ગોલણ ગામ નજીક કારએ મોપેડને ટક્કર મારતા મોપેડ પર સવાર દંપતી પૈકી પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાલોડ પોલીસ દ્વારા ફરિયાદના આધારે સ્વીફ્ટ ડીઝાયર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાલોડ તાલુકાના ગોલણ ગામની સીમમાંથી પસાર થતો બુહારીથી વાલોડ તરફ જતા રોડ ઉપર આજરોજ સવારે આશરે ૯:૩૦ કલાકના અરસામાં ગોલણના ખાખર ફળીયા બસ સ્ટોપ પાસે એક સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર જીજે/૦૫/આરએચ/૮૯૫૭ ના ચાલકે પોતાના કબજાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી એકટીવા મોપેડ નંબર હીજે/૨૬/એસી/૧૭૦૨ ને ટક્કર મારતા મોપેડ પર સવાર ધીરુભાઈ વિસાભાઇ ચૌધરી (ઉ.વ.૬૫) અને તેમની પત્ની સુમિત્રાબેન ઉર્ફે સુમાબેન ધીરુભાઈ ચૌધરી રહે,ઉમરકચ્છ ગામ નિશાળ ફળિયું તા.ડોલવણ નાઓ મોપેડ પરથી નીચે રસ્તા પર પટકાયા હતા.
આ અકસ્માતના બનાવમાં ધીરુભાઈ ચૌધરી તથા તેઓની પત્ની સુમિત્રા ઉર્ફે સુમાબેન ધીરુભાઈ ચૌધરી ના માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે સુમિત્રાબેન ઉર્ફે સૂમાબેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. બનાવ અંગે પંકજભાઈ ધીરુભાઈ ચૌધરી રહે, ઉમરકચ્છ ગામ નિશાળ ફળિયું તા.ડોલવણ નાઓની ફરિયાદના આધારે વાલોડ પોલીસ દ્વારા સ્વીફ્ટ ડીઝાયર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500