Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ

  • April 16, 2023 

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લાના આમલીકરણ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને પૂછેલા પ્રશ્નોના લેખિત અને મૌખિક રીતે જવાબો આપ્યા હતા. આ બેઠકમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મતવિસ્તારના લોકપ્રશ્નો રજૂ કર્યા હતા.






આ બેઠકમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા રેશનકાર્ડ, આરોગ્ય અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપાતી ડીલિવરી સમયે બહેનોને પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય અને ડોક્ટરો હેડ ક્વાર્ટરમાં હાજર રહે તેમજ સર્જન ડોક્ટરો રજાની ડ્યુટી નિયમિત રીતે બજાવે, રજાના દિવસોમાં લોકોને પુરતી આરોગ્ય સેવા મળી રહે તેમજ ઓ.પી.ડી. પણ ચાલુ રહે અને લોકોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કાયમી ધોરણે વિકસાવવા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીને તાકીદ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મશીનો-સાધનો ચાલુ હાલતમાં હોવા ઉપર ભાર મૂક્યો હતો.






સિવિલ હોસ્પિટલ તેમજ છેવાડાના ગામડામાં આરોગ્ય સેવા સતત મળતી રહે અને લોકોની ફરિયાદ આવે તો તેમના સંપર્કમાં નંબર મેળવીને તેમનો સંપર્ક કરીને લોકોને મદદરૂપ બની શકાય. આ ઉપરાંત જિલ્લામાં ફોરવ્હીલ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાડેલા હોય તેવા વાહનો માટે સ્પેશિયલ ડ્રાઇવ કરીને તેવી ફિલ્મો દૂર કરવા અને દંડ કરવા જણાવ્યું હતું. રેલ્વે ફાટક બંધ છે તેને ખોલવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની રજૂઆતો પણ કરવામાં આવી હતી.





જેનો જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ ત્વરિત નિકાલ અને તેની જાણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જળસ્ત્રાવ પ્રોજેક્ટના કામો અંગે રજૂઆત કરી હતી. બાયોગેસ હાઈમાસ્ક ૦૯ છે તેની જગ્યાએ ૯૦ મળવા જોઈએ તેવી રજૂઆત તેમણે કરી હતી. મીની જલધારા યોજના સોલાર આધારિત બનાવવા તથા પ્રવાસન સ્થળોનો પ્રચાર-પ્રસાર થાય તો લોકોને સુવિધાઓ સાથે રોજગારી પણ મળશે. અમૃત સરોવર, રોડ રસ્તા, શિક્ષણ, વીજળી જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા અને તેનો સંબંધિત અધિકારીશ્રીઓએ લેખિત જવાબો પણ આપ્યા હતા.






આ સંકલન બેઠક બાદ પદાધિકારીઓએ જિલ્લા સંકલનની રજૂઆતો બાબતે એક બીજા વિભાગો સંકલનમાં રહી જ્યાં પ્રશ્ન હોય ત્યાં સંયુક્ત વિઝીટ કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, ગરીબ માણસો રજૂઆત લઈને આવે તો પ્રેમથી સાંભળીને તેનો હકારાત્મક નિકાલ કરવો. નેશનલ હાઇવે, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત, પાણી પુરવઠા વિભાગ સંયુક્ત સંકલનમાં કામ કરશે તો રસ્તા તૂટવાના કે મંજૂરી મેળવવાનું સરળ બનશે અને વીજ થાંભલા હટાવવાનું પણ સરળ બનશે.






આ બેઠકમાં ૧૦૦ દિવસના સરકારના ટાર્ગેટ અને ચિંતન શિબિર, સીએમ ડેશબોર્ડ, સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવા તથા ગ્રામ્ય તાલુકા જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે તો જે પ્રશ્નો આવે તેનો યોગ્ય નિકાલ થાય તે જોવા તેમજ નર્મદા જિલ્લામાં ૧૪ જેટલા નિઃસહાય બાળકો છે તેમને અધિકારીઓને દત્તક લેવા સાથે સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ આપીને તેમનું પુનઃસ્થાપન કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે કુટુંબના સભ્યોને પણ વિવિધ સરકારી યોજનાનો લાભ મળવા આહવાના કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application