દેશ ભરમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સાથે જ વિજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. વિવિધ વરસાદી ઘટનાઓમાં કુલ 29 લોકોનાં મોત નીપજ્યા છે. જેમાં માત્ર બિહારમાં જ વિજળી પડવાથી 20 લોકો માર્યા ગયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ વિજળી પડવાથી 4 લોકો માર્યા ગયા હતા. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા ધામ પાસે ફરી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. પવિત્ર અમરનાથ ગુફાની પાસે વાદળ ફાટવાથી પુરની સ્થિતિ સર્જાઇ હતી.
જેને પગલે અનેક યાત્રાળુઓ ફસાઇ ગયા છે અત્યાર સુધીમાં કુલ ચાર હજારથી વધુ યાત્રાળુઓને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. મોટા ભાગનાં યાત્રાળુઓ વાદળ ફાટયું ત્યારે ગુફામાં જ ફસાઇ ગયા હતા, જેમને રેસ્ક્યૂ કરીને સૈન્યએ એક મોટી જાનહાનીને ટાળી દીધી હતી. પ્રશાસને પંચતરણી અને પવિત્ર ગુફાની આસપાસ ભારે વરસાદને પગલે હાલ પુરતા અમરનાથ યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
બીજી તરફ બિહારમાં વિજળી પડવાથી મોટી જાનહાની સામે આવી છે. બિહારમાં કૈમુર જિલ્લામાં સૌથી વધુ 7 લોકોનાં મોત નીપજ્યા છે તેવી જ રીતે ભોજપુર અને પટનામાં ચાર-ચાર, જહાનાબાદમાં એક, અગ્રવાલમાં એક, રોહતાશમાં એક, સિવાનમાં પણ એક મળી કુલ 20 લોકોનાં વિજળી પડવાથી મોત નિપજ્યા છે. માર્યા ગયેલા દરેકના પરિવારને બિહાર સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
જ્યારે ઉત્તર પ્રદેશમાં ચાર, ઝારખંડમાં બે, કારગીલમાં ત્રણ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા હતા જ્યારે રાજસ્થાનમાં વરસાદનો આનંદ લઇ રહેલા ત્રણ લોકો ડુબી જવાથી માર્યા ગયા હતા. રાજસ્થાનના ત્રણ જિલ્લાઓમાં હાલ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. જેથી આ જિલ્લાઓમાં આવતી જતી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જોધપુર, ભિલવાડા, ચિત્તોડગઢમાં સ્થિતિ વધુ કફોડી બની છે. આગામી 48 કલાકમાં જોધપુર, અજમેર, ઉદયપુરમાં ભારેથી અતી ભારે વરસાદની શક્યતાઓ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500