Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભેળસેળ પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 900 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો

  • September 07, 2022 

પુણેમાં ભેળસેળિયું પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. એફડીએ દ્વારા 900 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મિલ્ક પાવડર તથા વનસ્પતિ તેલના ઉપયોગ દ્વારા કેટલાંક ઘટકો મેળવી નકલી પનીર તૈયાર કરી રેસ્ટોરાં, ખાનગી ડેરીઓની દુકાનો તથા અન્ય સપ્લાયર્સને રવાના કરાતું હોવાની શંકા છે. હજુ થોડા દિવસો પહેલાં ભિવંડીમાં પણ નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. મુંબઈ સહિત દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.




ત્યારે બે વર્ષ બાદ ફરી ગણેશજીનું નિર્વિધ્ને આગમન થયું હોવાથી લોકો પણ એકબીજાનાં ઘરે તેમજ સાર્વજનિક મંડળોમાં ગણેશજીના દર્શનાર્થે જઈ રહ્યાં છે. વળી આ તહેવારની સીઝનમાં દૂધજન્ય ખાદ્યપદાર્થોની માંગણી પણ વધી છે. પરંતુ તે સાથે જ માર્કેટમાં ભેળસેળિયા પદાર્થોનું આગમન પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. પુણેમાં અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગ (એફડીએ) એ છાપો મારી 900 કિલો જેટલું પનીર જપ્ત કર્યું છે. જેને કારણે નાગરિકોમાં ખળભળાટ ફેલાયો છે. એફડીએએ પુણેના માંજરી ખુર્દ સ્થિત એક ગેરકાયદે કારખાના પર છાપો મારી આશરે 1.98 લાખ રૂપિયાની રકમનું 900 કિલો જેટલું ભેળસેળિયું પનીર જપ્ત કર્યું છે.




તે સાથે જ અહીંના કારખાનામાંથી 2.24 લાખ રૂપિયાનો સ્કિમ્ડ મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલ પણ જપ્ત કર્યું છે. પુણે એફડીએના આસિ.કમિશ્નર સંજય નારાગુડેએ આજે છાપો મારી આ કાર્યવાહી કરી છે. જેને પરિણામે આસપાસના અન્ય કારખાનેદારોમાં પણ ગભરાટ ફેલાયો છે. થોડા સમય પહેલાં મુંબઈ વિસ્તારમાં પણ આ પ્રકારે થયેલી છાપેમારીમાંથી મોટી સંખ્યામાં ભેળસેળિયું પનીર પકડાયું હતું. આથી સતત આવી ઘટનાઓ સામે આવતાં નાગરિકોમાં હવે દૂધજન્ય ખાદ્યપદાર્થોની ગુણવત્તા બાબતે ભય ઘર કરી રહ્યો છે.



આજે પણ આ ઘટના બહાર આવ્યા બાદ મોટા પાયે સોશિયલ મીડિયા પર ભેળિસેળિયા ખાદ્યપદાર્થો અને ખાસ કરી ડેરીપ્રોડક્સ વિશેના વિડીયો વાયરલ થયા હતાં. તહેવારોની સીઝનમાં મિઠાઈ અને અન્ય ડેઅરી પ્રોડક્ટ્સની માગણી વધતી હોય છે. આ માંગણીને પહોંચી વળવા અને તેમાંથી ફાયદો કમાઈ લેવાની લાલચે વેપારીઓ કે કારખાનેદારો 'દે દામોદર દાળમાં પાણી'ની નીતિ અપનાવી બિન્ધાસ્ત ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતાં હોય છે. એફડીએએ અનેકવારની ચેતવણી આપવા છતાં અનેક વેપારીઓ દ્વારા તેનું બિન્ધાસ્ત ઉલ્લંઘન કરાય છે. પરિણામે જ્યારે તપાસનો રેલો પગ નીચે આવે ત્યારે કાયદાકીય કાર્યવાહીનો ભોગ પણ બનવું પડે છે. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application