વાપીનાં કોચરવા ગામે રહેતી યુવતી નોકરીએ જઇ રહી હતી તે સમયે પાછળથી બાઇક પર આવેલ ત્રણ ઇસમો હોર્ન વગાડી યુવતીને ગાળો આપી લાતથી માર મારવા લાગતા સ્થાનિકોને દોડી આવતા જોઇ ફરાર થઇ ગયા હતા. જોકે ત્રણેય ઇસમો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, વાપીનાં કોચરવા વડીયાવાડ ખાતે સુરેશભાઇની ચાલીમાં રહેતી ચાંદનીકુમારી તેતરદાસ માતા-પિતા અને ભાઇ-બહેન સાથે રહે છે અને થર્ડ ફેસ સ્થિત ડાંગી ટ્રાવેલ્સ નામની દુકાનમાં નોકરી કરે છે. જોકે તારીખ 9 માર્ચનાં રોજ તે ઘરેથી જમીને બપોરે દુકાને જવા નીકળી હતી.
તે સમયે કોચરવા નહેરની બાજુમાંથી પસાર થતી વખતે બાઇક પર નિતેશ ગજાનંદ પાસવાન (રહે.છીરી, વલ્લભનગર), સતીષ સત્યપ્રકાશ ખરવાર (રહે.રણછોડનગર, રાધા ક્રિષ્ના એપાર્ટમેન્ટ) અને એક અજાણ્યો ઇસમ હોર્ન વગાડી યુવતીને સાઇડમાં ખસવા કહેતા તમારા ઘરે માં-બહેન નથી કહેતા જ ત્રણેય બાઇકથી નીચે ઉતરી ઝપાઝપી કરી તેને ઢીકમુકી તથા લાત વડે માર મારતા પગમાં ઇજા પહોંચી હતી. જોકે બુમાબુમ કરવાથી આજુ-બાજુનાં લોકો આવી જતા ત્રણેય ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેની જાણ દુકાન માલકિનને કરતા છીરી પીએચસીમાં સારવાર કરાવી પોલીસમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ કરાઇ હતી. બનાવ અંગે પોલીસે યુવતીને માર મારી ફરાર થનારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500