મુંબઈનાં અંધેરીમાં મેલીવિદ્યા દ્વારા પતિને વશમાં કરવા માટે ગૃહિણી પાસેથી જુદા-જુદા બહાને દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 60 લાખની પડાવનારા ઢોંગીબાબા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અંધેરીમાં પ્રિન્ટર અને કાર્ટેજ વેચાણનો વ્યવસાય કરતા રમેશ (નામ બદલ્યું છે) પવઈમાં પત્ની નંદા (નામ બદલ્યું છે) અને બે પુત્ર સાથે રહે છે. દિવાળી વખતે કર્મચારીઓ અને અન્ય લોકોને બોનસ આપવા માટે તેમણે રૂપિયા 35 લાખ ઘરમાં એક કબાટમાં રાખ્યા હતા.
જોકે થોડા દિવસ બાદ વેપારીએ રકમ કાઢવા કબાટ ખોલ્યો હતો પણ આ રકમ ગાયબ હતી. તેમણે પત્નીને આ રકમ વિશે પૂછયું તો તેણે સંતોષજનક જવાબ આપ્યો નહોતો. આથી તેમણે આ બનાવની મોટા ભાઈને જાણ કરી હતી. બંને ભાઈએ નંદાની પૂછપરછ કરી હતી. છેવટે તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર બાદલ નામના જ્યોતિષ સાથે નંદાનો સંપર્ક થયો હતો અને મેલી વિદ્યાથી પતિ રમેશને વશમાં કરવાની જ્યોતિષે ખાતરી આપી હતી.
આ માટે બાદલે પૈસા ખર્ચ કરવાનું કહ્યું હતું અને તેની વાત પર વિશ્વાસ કરીને નંદાએ ઘરમાંથી 35 લાખ રૂપિયા, સોનાના દાગીના સહિત રૂપિયા 60 લાખની માલમત્તા આપી દીધા હતા. આની જાણ થયા બાદ રમેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે લગ્ન પૂર્વે નંદાના રૂપેશ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.
જયારે લગ્ન પછી પણ બંને એકબીજાનાં સંપર્કમાં હોવાથી રમેશ અને નંદા વચ્ચે ઝઘડો થતો હોવાનું કહેવાય છે. આખરે રમેશના સંબંધીઓએ પહેલ કરીને મામલો શાંત પાડયો હતો. પણ પતિ પર મેલીવિદ્યા કરવા નંદાએ રૂપેશની મદદ લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આથી તેને પણ આરોપી બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500