ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (NSW)ની હન્ટર વેલીમાં વાઈન કાઉન્ટી ડ્રાઈવ પર બસ પલટી જતાં ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હેલિકોપ્ટર અને રોડ દ્વારા નજીકના વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. માહિતી અનુસાર આ બસમાં 40 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 18 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસ ડ્રાઈવર અને 58 વર્ષીય વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સના ગ્રેટા શહેરમાં બસ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે 11:30 વાગ્યા પછી થયો હતો. હાલમાં ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. જોકે અમે આસપાસનાં વિસ્તારને કવર કરી લીધો છે. આ વિસ્તારમાં કોઈને અવરજવર કરવાની પરવાનગી અપાઈ નથી.
જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે. અહેવાલ અનુસાર, બસમાં લગભગ 40 લોકો સવાર હતા જેઓ વેન્ડિન એસ્ટેટ વાઈનરીમાં એક લગ્નમાં સામેલ થયા હતા. આ તમામ લોકો કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. સેસનોકનાં મેયર જય સુવાલે કહ્યું કે, અકસ્માત ખરેખર ભયાનક છે. હન્ટર વેલી એક મુખ્ય લગ્ન અને પ્રવાસન સ્થળ છે અને તેથી સમગ્ર રાજ્ય અને દેશના લોકો તેની મુલાકાત લે છે. તેમણે કહ્યું કે, આ આઘાત જેવું છે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓનાં પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500