પુણે-બેંગ્લોર હાઇવે પર સાતારાના કરાડ પાસે વહેલી સવારે મુંબઇ આવી રહેલી ખાનગી લકઝરી બસમાં આગ લાગ્યા બાદ અંદાજે પંચાવન પ્રવાસીનો જીવ બચી ગયો હતો. પ્રવાસીઓ બસમાંથી નીચે ઉતરી જતા જાનહાની ટળી ગઇ હતી. ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી. પરંતુ સંપૂર્ણ બસ સળગીને ખાખ થઇ ગઇ હતી. ખાનગી કંપનીની લકઝરી બસમાં પ્રવાસીઓ સાંગલીના મિરજથી મુંબઇ આવી રહ્યા હતા. આ પ્રવાસીઓ હજ યાત્રા માટે જઇ રહ્યા હોવાનું કહેવાય છે. સાતારાના કરાડ તાલુકામાં બસનું ટાયર પંક્ચર થઇ ગયું હતું. પછી બસ આગળ વધી હતી.
ત્યારે તાસવડે ટોલનાકા નજીક આજે વહેલી સવારે બસના પાછળના ભાગમાં આગ લાગી હતી. તે સમયે મોટાભાગના પ્રવાસીઓ સૂતા હતા. અન્ય વાહનના ચાલકે આગ બાબતે બસ ડ્રાઇવરને જાણ કરી હતી. તેણે બસ રસ્તાની બાજુમાં ઉભી રાખી હતી. ડ્રાઇવરે તાત્કાલિક તમામ પ્રવાસીઓને બસમાંથી નીચે ઉતાર્યા હતા. આગની માહિતી મળતા અગ્નિશામક દળના જવાનો, પોલીસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. પરંતુ આગમાં સંપૂર્ણ બસ અને પ્રવાસીઓનો સામાન સળગી ગયો હતો. આગ ચોક્કસ કેવી રીતે લાગી તે પ્રાથમિક તપાસમાં જાણી શકાયું નહોતું. આ બનાવને લીધે વાહન વ્યવહારને અસર થઇ હતી. ફાયર બ્રિગેડે આગને બસની ડીઝલ ટાંકી સુધી પહોંચવા દીધી નહોતી. ટાંકીમાં વિસ્ફોટ થયો હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application