Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હૈદરાબાદમાં એસ.બી.આઇ.ની એક બ્રાન્ચનાં મેનેજર અને તેમના સહયોગીની રૂપિયા ૧૭૫ કરોડના બેંક છેતરપિંડીનાં કેસમાં ધરપકડ કરવામાં આવી

  • August 30, 2024 

હૈદરાબાદમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની એક બ્રાન્ચના મેનેજર અને તેમના સહયોગીની ૧૭૫ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શમશીર ગંજ વિસ્તારની એસબીઆઇ બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર મદુ બાબુ ગલી અને એક જિમ ટ્રેનર ઉપાધ્યાય સંદીપ શર્માની આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પછી સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સાયબર સિક્યુરિટી બ્યુરોના અધિકારીઓએ આ કેસને સમર્થન આપ્યું છે. આરોપ છે કે, બ્રાન્ચ મેનેજર અને તેમના સહયોગી છેતરપિંડી કરનારા જૂથની સાથે મળી ખાતાના ઓપનિંગમાં મદદ કરી રહ્યાં હતાં.


આ ઉપરાંત  ફંડ ઉપાડવામાં પણ મદદ કરી રહ્યા હતાં અને નફા માટે નાણાની લેવડદેવડ કરી રહ્યાં હતાં. સાયબર સિક્યુરિટી બ્યુરોના અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યના બદલામાં તેમને કમિશન મળી રહ્યું હતું. સાયબર સિક્યુરિટી બ્યુરોના ડેટા એનાલિસિસ ટીમે એસબીઆઇના શમશીર ગંજ બ્રાન્ચમાં છ ખાતાઓની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. માર્ચ અને એપ્રિલ ૨૦૨૪ની વચ્ચે આ ખાતાઓમાં મોટા પ્રમાણમાં લેવડદેવડ થઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ખાતા મોટા પાયે સાયબર છેતરપિંડીમાં સંલિપ્ત હતાં અને લગભગ ૬૦૦ ફરિયાદો આ ખાતાઓ સાથે જોડાયેલી હતી.


છેતરપિંડી કરનાર મુખ્ય વ્યકિત આ ઓપરેશન દુબઇથી ચલાવી રહ્યો હતો અને તેના પાંચ સહયોગીઓએ ગરીબ લોકોના બેંક ખાતા ખોલવા માટે લાલચ આપી હતી અને તેમને સાયબર અપરાધ અને હવાલા ઓપરેશન માટે ઉપયોગ કર્યો હતો. તારીખ ૨૪ ઓગસ્ટે સાયબર સુરક્ષા બ્યુરોએ મોહમ્મદ શોએબ તૌકીર અને મહમૂદ બિન અહેમદ બવાજીરની ધરપકડ કરી હતી. શોએબે બેંક ખાતાઓ ખોલવા અને દસ્તાવેજ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોએબ અને અન્યએ ગરીબ લોકોને ફેબ્રુઆરી, ૨૦૨૪માં એસબીઆઇની શમશીર ગંજ બ્રાન્ચમાં છ ચાલુ ખાતા ખોલવા માટે મનાવ્યા હતાં. માર્ચ અને એપ્રિલમાં આ ખાતાઓમાં ૧૭૫ કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ કરવામાં આવી હતી. આ કેસ સામે આવ્યા પછી જનતાને ચેતવણી આપવામાં આવી છે કે તે કોઇ અન્ય માટે બેંક ખાતું ન ખોલે અથવા શંકાસ્પદ લેવડદેવડમાં સામેલ ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application