‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ઉતરપ્રદેશના ભિંદ પરિવારના નિલમદેવી ભિંદેએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના પતિ સ્વ.રામજીભાઇ સંતલાલ ભિદેની બે કિડની, લીવર અને બે આંખોનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે. સુરત શહેરના કડોદરા સ્થિત જોલવા પાટીયાની બાલાજી સોસાયટી ખાતે રહેતા (મુળ.મહદેપુર ભોરી સંત રવિદાસનગર, ઉતરપ્રદેશ) ૪૩ વર્ષીય યુવાન રામજીભાઇ સંતલાલ ભિંદ સંચાના ખાતામાં કામ કરીને આજીવિકા મેળવતા હતા. ગત તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાના ઘરના બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયા હતા.
જેથી પરિવારજનો તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે તા.૨૦મીએ બપોરે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેઓને હેડ ઈન્જરી થયાનું નિદાન થયું હતું. આઇસીયુમાં ૧૭ દિવસની સધન સારવાર બાદ આજરોજ તા.૦૫મી ઓક્ટોમ્બરના રોજ બપોરે ૧.૧૫ વાગે આર.એમ.ઓ. તથા તબીબી ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા. તેમના પરિવારજનોને આર.એમ.ઓ., ગુજરાત નર્સિંગ કાઉન્સીલના, કાઉન્સેલરએ બ્રેઈનડેડ સ્વ.રામજીભાઈના અંગોના દાનથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ સમજાવી અંગદાનની માહિતી આપી હતી. બ્રેઇનડેડ યુવાનના પરિવારમાં પત્નિ નિલમદેવી ભિંદ, મોટો દિકરો સુરજ ભિંદ, નાના દિકરો પવન ભિંદ અને દિકરી કાજલ ભિંદ છે.
સ્વ.રામજીભાઇ ભિંદને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કરી અન્ય જરૂરિયાતમંદ પરિવારના બાળકોના પિતાની છત્રછાયાના ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરી હતી. દુઃખદ ઘડીમાં બ્રેઈનડેડ રામજીભાઈના પત્ની નિલમદેવીએ અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આમ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. સુરત સિવિલ ખાતેથી બ્રેઈનડેડ યુવાનની બંન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારીને અમદાવાદની ઝાડટસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તથા બન્ને આંખોનું દાન નવી સિવિલ હોસ્પિટલની આઇસ બેંકે સ્વીકાર્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મીઓ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે ૪૬મું સફળ અંગદાન થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500