પંજાબ નેશનલ બેંકનાં 11 હજાર કરોડનાં કૌભાંડમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદીનાં પ્રત્યાર્પણની ભારતની માગણી અંગે લંડન હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. નીરવ મોદીએ કાયકાદીય વિકલ્પ તરીકે સુપ્રીમમાં અરજીની માંગ કરી હતી, જે હાઈકોર્ટે ફગાવી દેતા હવે નીરવ મોદી પાસે કોઈ જ કાયદાકીય વિકલ્પો બચ્યા નથી. વર્ષ-2018માં પંજાબ નેશનલ બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. એમાં નીરવ મોદીને ભાગેડુ જાહેર કરાયા બાદ કેન્દ્ર સરકારે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરી હતી.
લંડનમાં રહેતા નીરવ મોદીનાં પ્રત્યાર્પણની ભારતની અરજી સામે તેણે કોર્ટમાં અપીલ કરી હતી. લંડન હાઈકોર્ટમાં એની સુનાવણી થઈ હતી. અગાઉ કોર્ટે માનસિક સ્વાસ્થ્ય સહિતના મુદ્દે તેની અરજી ફગાવી દીધી હતી અને પ્રત્યાર્પણને માન્ય રાખ્યું હતું. ભારત વતી બ્રિટનની સીપીએસ એજન્સી કોર્ટમાં કેસ રજૂ કરી રહી છે. લંડન હાઈકોર્ટમાં નીરવ મોદીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની માંગણી કરતી અરજી કરી હતી.
લંડન હાઈકોર્ટનાં જજ જેરેમે સ્ટૂઅર્ટ સ્મીથ અને રોબર્ટે જેની બેંચે નીરવ મોદીની અરજી ફગાવી દીધી હતી અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની પરવાનગી આપી ન હતી. લંડન હાઈકોર્ટે નીરવ મોદીનાં વર્તનની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, આપઘાત કરવાના પ્રયાસોથી પ્રત્યાર્પણની પ્રક્રિયા અટકાવી શકાય નહીં. તેના આધારે પ્રત્યાર્પણ રોકવાનો આદેશ ન આપી શકાય. હાઈકોર્ટે અરજી ફગાવી દીધી તેના કારણે હવે નીરવ મોદી પાસે બ્રિટનના બધા જ કાયદાકીય વિકલ્પો પૂરા થઈ ચૂક્યા છે.
ભારતની પ્રત્યાર્પણની માગણી માન્ય રહી છે અને હવે નીરવ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે, નીરવ મોદી પાસે છેલ્લો વિકલ્પ યુરોપિયન માનવ અધિકાર કોર્ટમાં અરજી કરવાનો છેલ્લો વિકલ્પ બચ્યો છે. બ્રિટનમાં એક પણ કાયકાદીય વિકલ્પ ન રહેતા હવે એને ભારત લઈ આવવાનો રસ્તો ખુલ્લો થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્રિટનના પૂર્વ ગૃહ મંત્રી પ્રીતિ પટેલે નીરવ મોદીના પ્રત્યાર્પણની અરજીને નીચલી કોર્ટના ચુકાદાના આધારે માન્યતા આપી દીધી હતી. ફરીથી હવે ગૃહ મંત્રાલય હાઈકોર્ટનાં ચુકાદાનાં આધારે માન્યતા આપશે એટલે ભારતનું વિદેશ મંત્રાલય નીરવ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500