ઉત્તર પ્રદેશમાં રહેતા યુવકે પોતાના જ ગામમાં રહેતી પરિણીતાને ભગાડીને સુરત લઈ આવ્યો હતો. લગ્ન કરવાની લાલચ આપી બે વર્ષ સુધી પરિણીતા સાથે ગોડાદરા વિસ્તારમાં રહ્યા બાદ તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ દરમિયાન પરિણીતાએ બાળકીને જન્મ આપતા નરાધમ ઇસમે 6 મહિનાની બાળકીને 7 હજારમાં અન્ય વ્યક્તિને વેચી દઈ આ બાળકી મારી છે તેનો શું પુરાવો છે તેમ કહીને પરિણીતાને તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાને આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ગોહરી તાલુકામાં રહેતા દીપક મનોજ ત્રિપાઠી વર્ષ 2021માં પોતાના જ ગામમાં રહેતી એક પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લાવી સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેવા માટે આવ્યો હતો. પરિણીતાને લગ્ન કરવાનું જણાવી ગોડાદરા વિસ્તારમાં રૂમ રાખી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેની સાથે સમય પસાર કર્યો હતો. દરમિયાન પરિણીતા ગર્ભવતી થતા તેણીએ દીકરીને જન્મ આપ્યો હતો. આ વાત દિપકને ગમતી ન હતી. જેના કારણે અવારનવાર દિપક પરિણીતાને માર મારી અભદ્ર ગાળો આપી ગમે તેમ બોલતો હતો. આ દરમિયાન દીપક ત્રિપાઠીએ માત્ર છ મહિનાની દીકરીને ભેસ્તાન આવાસમાં રહેતા જુનેદ શેખ નામના વ્યક્તિને 7 હજારમાં વેચી દીધી હતી.
ત્યાર બાદ દીપક ત્રિપાઠીએ પરિણીતાને આ દીકરી તેની હોવા બાબતેના પુરાવા માગી તેને પણ છોડી દઈ વતન ફરાર થઈ ગયો હતો. ભગીરથ ગઢવી (એસીપી)એ જણાવ્યું હતું કે, ગડોદરા વિસ્તારમાં મહિલા દ્વારા યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. અવાર નવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવાના કારણે ગર્ભ રહી ગયો હતો. ત્યાર બાદ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને સ્વીકારવાની મનાઈ કરી મહિલા સાથે મારઝૂડ પણ કરતો હતો. વધુમાં જણાવ્યું હતું કે, બાળકીને વેચી દેવા દબાણ કરતો હતો. બાળકીને વેચી પણ દીધી હતી.
મહિલા પર દુષ્કર્મ આચરનાર અને બાળકીને ખરીદનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આખરે ભોગ બનનાર પરિણીતાએ જે તે વિસ્તારમાંથી રૂમ ખાલી કરી શહેરના લિંબાયત વિસ્તારમાં રહેવા જતી રહી હતી, પરંતુ સમય જવા છતાં પણ દીપક ત્રિપાઠી પરત ન આવતા આખરે આ મામલે પરિણીતાએ ગોડાદરા વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દીપક ત્રિપાઠી સામે દુષ્કર્મનો ગુનો નોંધી અને જુનેદ શેખ સામે પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર કેસમાં નરાધમ દિપક ત્રિપાઠીએ જુનેદને માત્ર 7 હજાર રૂપિયામાં છ મહિનાની દીકરી વેચી દીધી હતી, પરંતુ બાદમાં પરિણીતાએ બીજા દિવસે જુનેદનો સંપર્ક કરી પોતાની દીકરી પરત આપી દેવાનું જણાવતા શરૂઆતમાં જુનેદે આનાકાની કરી હતી, પરંતુ બાદમાં દીકરી પરત આપી દીધી હતી. દીકરી પરત મળી ગયા બાદ પણ પરિણીતાએ અવારનવાર દીપકનો સંપર્ક કરી તેની સાથે લગ્ન કરવા જણાવ્યું હતું, પરંતુ દીપકે આ દીકરી મારી છે તેનો શું પુરાવો છે તેમ કહી તેને એલફેલ ગાળો આપતો હતો. જોકે બાદમાં દિપક પરત આવ્યો ન હતો અને પરિણીતાને તરછોડી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500