રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભારતની પરંપરાગત યોગ સંસ્કૃતિને પ્રોત્સાહિત અને યોગ પ્રત્યે લોકોને જાગૃત કરવાના ઉમદા આશય સાથે મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે 'યોગ સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તાપી જિલ્લાના ૩૦૦થી વધુ યોગ રસિકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે પોતાની પ્રેરણાદાયી ઉપસ્થિત નોંધવતા મહાનુભાવો દ્વારા ભારત દેશની પરંપરાગત યોગવિદ્યાના અમૂલ્ય વારસાથી પરિચિત કરાવવા સહિત તેના અદભુત લાભોથી યોગરસિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લામાં યોગવિદ્યાને પ્રોત્સાહન મળે તે માટે નાગરિકોને સહભાગીદારી સુનિશ્ચિત કરવા અપીલ કરાઈ હતી. યોગ સંવાદ કાર્યક્રમમાં યોગવિદ્યા સહિત આયુર્વેદ વિદ્યા, પરંપરાગત આહાર 'શ્રી અન્ન-મિલેટ્સ', યજ્ઞ ચિકિત્સા અને શરીર વિજ્ઞાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે યોગ બોર્ડ અને સરકારી વિનિયન કૉલેજ ઉચ્છલ વચ્ચે આ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યું હતું. MOU થકી તાપી જિલ્લામાં યોગવિદ્યાને પ્રોત્સાહન મળશે અને યોગ ટ્રેનરો તૈયાર થશે. આ શુભ પ્રસંગે નવનિયુક્ત ટ્રેનરોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500