નવી દિલ્હીનાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. કસ્ટમ વિભાગના અધિકારીએ બુધવારે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક નાઈજીરિયન મહિલાને રૂપિયા 30 કરોડનાં હેરોઈન સાથે ઝડપી લેવામાં આવી છે. કસ્ટમ વિભાગના અધિકારીના જણાવ્યાં અનુસાર, નાઈજીરિયન મહિલાને લગભગ ચાર કિલોગ્રામ હેરોઈન સાથે ઝડપી લેવામાં આવી હતી. આ હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયા 30 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જોકે સોમવારે દોહાના રસ્તે લાગોસથી આવી રહેલી મહિલાની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલા ડ્રગ્સને કબજે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ છેલ્લા કેટલાક દિવસોમાં નવી દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલી બીજી મોટી કાર્યવાહી છે. થોડા દિવસો પહેલાં કસ્ટમ વિભાગ દ્વારા મોટી માત્રામાં સોનું ઝડપી લેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કસ્ટમ વિભાગે 6637 ગ્રામ સોનાની દાણચોરી કરતાં 3 લોકોની ધરપકડ કરી હતી. એક રિપોર્ટ મુજબ, જપ્ત સોનાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 2.95 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શારજાહથી આવી રહેલા આરોપીઓની તપાસ કરતા તેમના બેલ્ટમાંથી સોનું ઝડપાયું હતું. આરોપીઓના બેલ્ટમાં અનેક છુપા ખાના બનાવેલા હતાં અને તેમાં સોનાને પેસ્ટ બનાવીને રાખેલું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500