જમ્મુ અને કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સલામતી દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તોયબાનો એક 'હાઈબ્રિડ' આતંકી માર્યો ગયો હતો, જ્યારે સલામતી દળોએ શ્રીનગરમાંથી 3 હાઈબ્રિડ આતંકીઓની ધરપકડ કરી હતી. આ સિવાય કુપવારા જિલ્લામાં એક ઘરમાંથી દળોને શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવ્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કુલગામમાં શિરપોરાનો નિવાસી સજ્જાદ અહેમદ તંત્રય ઉર્ફે ફુરકાન 12મી નવેમ્બરે અનંતનાગનાં બિજબેહરાનાં રખમોમેનમાં એક બિન સ્થાનિક મજૂરની હત્યામાં સામેલ હતો.
જોકે પોલીસને ફુરકાન અંગેની બાતમી મળતા તેની ધરપકડ કરાઈ હતી. પૂછપરછમાં તેણે મજૂરની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. વધુ પૂછપરછમાં ફુરકાને બિજબેહરાના ચેકી ડુડૂ વિસ્તારમાં આતંકીઓની હાજરીની માહિતી આપી હતી તેની માહિતીનાં આધારે સુરક્ષા દળોએ ચેકી ડુડૂમાં સર્ચ કામગીરી શરૂ કરી હતી, જ્યાં છુપાયેલા આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં ફુરકાનને ઈજા પહોંચી હતી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેને ત્યાં મૃત જાહેર કરાયો હતો. ફુરકાન લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલો હતો. આતંકી તરીકે ઓળખાયો ન હોય, પરંતુ આતંકી હુમલા કરીને સામાન્ય જીવન જીવવા લાગતા કટ્ટરવાદીઓને 'હાઈબ્રિડ' આતંકી કહેવાય છે. દરમિયાન શ્રીનગરમાંથી 3 હાઈબ્રિડ આતંકીઓની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી 3 એકે રાઈફલ, 2 પિસ્તોલ, 9 મેગેઝીન્સ અને 200 રાઉન્ડ કારતૂસ મળી આવ્યા હતા.
આ સિવાય કુપવારામાં પણ પોલીસે એક મકાન પર દરોડો પાડીને મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન તેની પાસેથી એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન્સ, 16 પિસ્તોલ રાઉન્ડ્સ, 2 હેન્ડ ગ્રેનેડ્સ, 2 ડીટોનેટર્સ અને અન્ય ગુનાઈત સામગ્રી મળી આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500