સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. પાંડેસરામાં રહેતા કુશવાહા પરિવારની ૬૬ વર્ષીય મહિલા બ્રેઈનડેડ થતા તેમની બે કિડની, લીવર અને બે આંખોના દાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવા સાથે આંખના જરૂરિયાતમંદ દર્દીનું જીવન રોશન થશે. નવી સિવિલ દ્વારા આ ૩૮મુ સફળ અંગદાન થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના મહવી મિરાનપુર ગામના વતની રામાધીરજ કુશવાહા પત્ની અને ચાર યુવાન સંતાનો સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. રામાધીરજના ૬૬ વર્ષીય પત્ની બુચિયાબહેનને તા.૩૦મી જુલાઈએ માથામાં દુ:ખાવો થયો હતો. મોડી રાત્રે માથાનો દુ:ખાવો અસહ્ય બનતા દવા લીધી હતી, પરિણામે તબિયત સારી થઈ ગઈ હતી. પરંતુ તા.૩૧મીએ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે બે વાર ઉલ્ટી થઈ અને ચક્કર આવતા પરિવાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સવારે ૦૯:૦૫ વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દર્દીને MICU માં દાખલ કરી સારવાર શરૂ કરવામા આવી. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૦૨ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૪:૫૧ વાગ્યે તેમને ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
કુશવાહા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ટી.બી.વિભાગના વડા ડો.પારૂલ વડગામા અને ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.તા.૨ ઓગસ્ટે બ્રેઈનડેડ બુચિયાબહેનની બે કિડની, લીવર અને બે આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. કિડની અને લીવર કિરણ હોસ્પિટલ-સુરત ખાતે અને આંખો (CORNEA)ને નવી સિવિલની ચક્ષુ બેંકમાં લઈ જવામાં આવ્યા હતા.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિવાસી તબીબો, નર્સિંગ અને સિકયુરિટી સ્ટાફ, સફાઈકર્મીઓ, સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.આમ, નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૩૮મુ અંગદાન થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500