બ્રિટન પર સૌથી લાંબા સમય 70 વર્ષ સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારનાં રોજ નિધન થયાના બીજા દિવસે શુક્રવારથી સમગ્ર બ્રિટનમાં 12 દિવસનાં સત્તાવાર શોકનો સમય શરૂ થયો છે. ભારતે પણ સોમવારે એક દિવસનાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. રાણીના નિધન પછી રાજકીય પ્રોટોકોલ મુજબ 96 ગન સેલ્યુટ સાથે રાણી એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિદાયનો 10 દિવસની શાહી કાર્યક્રમ શરૂ થયો છે.
શાહી પરંપરા મુજબ રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર તા.19મી એટલે સોમવારે કરાશે. રાણીના નિધન બાદ પ્રિન્સ ચાર્લ્સે શુક્રવારે 73 વર્ષની વયે કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે રાજગાદી સંભાળી છે. બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસે વિશેષ સંયુક્ત સંસદીય સત્રમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલી આપી હતી. બ્રિટિશ સંસદે રાણીને શ્રદ્ધાંજલી આપવા વિશેષ સત્રનું આયોજન કર્યું હતું.
પીએમ લિઝ ટ્રસે રાણી એલિઝાબેથ દ્વિતીયની સરખામણી એવી ચટ્ટાન સાથે કરી હતી, જેના પર આધુનિક બ્રિટનનો પાયો રખાયો છે. તેમણે કહ્યું, તેઓ મહાન બ્રિટનની સૌથી મોટી તાકત હતાં. તેમના શાસનમાં આપણો દેશ સમૃદ્ધ થયો. બ્રિટિશરોએ સમગ્ર બ્રિટનમાં શાહી નિવાસો પર ફૂલોના બૂકે મૂકી રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલી આપી હતી.
રાજ પરિવારની અંતિમ સંસ્કાર સંબંધિત પરંપરા મુજબ દિવંગત રાણીને શુક્રવારે 96 રાઉન્ડનાં ફાયરિંગની ગન સેલ્યુટ અપાઈ હતી. રાણીનું નિધન 96 વર્ષે થયું હોવાથી તેમના જીવનના પ્રત્યેક વર્ષ તરીકે 96 ગન સેલ્યુટ અપાઈ હતી. શાહી પરંપરાના વિવિધ કાર્યક્રમો મુજબ રાણી એલિઝાબેથ દ્વિતીયના કોફિનને મંગળવારે લંડનમાં બકિંગહામ પેલેસ ખાતે લવાશે.
ત્યાર પછી બુધવારે રાણીના કોફિનને પ્રજાને અંજલી આપવા માટે ચાર દિવસ વેસ્ટમિન્સ્ટર હોલમાં રખાશે. અંતે રાણી એલિઝાબેથની અંતિમ યાત્રા તા.19મી સોમવારે વેસ્ટમિન્સ્ટર હોલથી નીકળશે અને વેસ્ટમિન્સ્ટર અબે પહોંચશે. અંતે રાણીના પાર્થિવ દેહને સેન્ટ જ્યોર્જ ચેપલમાં દફનાવવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન કિંગ ચાર્લ્સ ત્રીજા શુક્રવારે બ્રિટનના શાસક તરીકે પહેલી વખત બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા. સ્કોટલેન્ડથી લંડન પહોંચેલા કિંગનું હજારો લોકોએ 'ગોડ સેવ ધ કિંગ'ના સૂત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતું. કિંગ ચાર્લ્સ 73 વર્ષની સૌથી વધુ વયે રાજગાદી પર બેસનારા રાજા છે. જોકે, કિંગ ચાર્લ્સની તાજપોશીની તારીખ હજી નિશ્ચિત થઈ નથી.
અમેરિકન પ્રમુખ જો બાઈડેન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓએ રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે રાણીની કર્તવ્ય નિષ્ઠા, બદલાતા સમય અને પરિસ્થિતિઓ સાથે બદલાવાની તેમની કુશળતા સાથે તેમના દયાભાવ અને સેન્સ ઓફ હ્યુમરને યાદ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500