નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના શુભ આશયથી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને તથા ગણદેવીના ધારાભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઊપસ્થિતમાં ખેરગામ તાલુકાના બહેજ સ્થિત રૂપા ભવાની મંદિર ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો. જેમાં ૪૯૦ સ્વસહાય જૂથોને રૂા.૬૫૫ લાખની ક્રેશ ક્રેડિટ ફંડની સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવા આશયથી સખીમંડળ યોજનાની શરૂઆત કરી હતી.
આજે સમગ્ર નવસારી જિલ્લામાં હજારો સખીમંડળોમાં એક લાખથી વધુ બહેનો ગુહ ઉધોગ, કૃષિ ઉધોગ તથા અન્ય ઉધોગમાં જોડાયા છે. મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો સ્વાવલંબી-આત્મનિર્ભર બની સન્માનભેર જીવન વ્યતિત કરી રહી છે, ત્યારે તેઓ રાજ્યના વિકાસમાં ઉમદા યોગદાન આપે તે માટે સરકાર કરોડોની લોન સહાય આપી રહી છે. આ અવસરે ગણદેવી ધારાભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે, મિશન મંગલમ યોજના થકી બહેનો ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરે તે માટે આ સરકાર કાર્ય કરી રહી છે.
સખીમંડળોને રાહતદરે ધિરાણ આપવાની કેશ ક્રેડિટ યોજનાએ ગ્રામ્યક્ષેત્રે મહિલા સશક્તિકરણમાં પાયાની ભૂમિકા ભજવી છે. વધુમાં નવસારીની બહેનો ભવિષ્યમાં અન્ય ક્ષેત્રેમાં તાલીમ લઈને કેશ ક્રેડિટનો અસરકારક ઉપયોગ કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, સખીમંડળની બહેનોને પગભર બનાવવા ખૂબ ઓછા દરે સાદા વ્યાજે લોન સહાય આપવામાં આવે છે. તેમજ સખીમંડળોની બહેનોને પ્રધાનમંત્રી વીમા કવચ યોજનાનો લાભ ખાસ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભવોના હસ્તે પ્રતીકાત્મક રૂપે સખીમંડળોને ચેક વિતરણ, શ્રેષ્ઠ કામગીરી કરનાર સખીમંડળોને પ્રમાણપત્ર તથા બીસી સખીને નિમણૂંક પત્ર સાથે કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ કાર્યક્રમમાં માજી.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિતા બહેન પટેલ, નવસારી જિલ્લા પંચાયતના સભ્યો, ખેરગામ તાલુકા પંચયાતના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, DLM, BOB લીડ મેનેજર, આરસેટી ડાયરેક્ટર, તાલુકાનાં કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500