ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ૩મી ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડીયા ખાતે રોકાણ કર્યું છે.સંધ્યા ટાણે મા નર્મદાના પાવન સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત અને ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ,કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રિજ્જુ,કેન્દ્રીય રાજયગૃહમંત્રી હંસરાજ આહિર,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સહિત દેશના વિવિધ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આઇજી,ડીઆઇજીઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમને મનભરીને માણ્યો હતો.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ કલાકારોએ દેશના વિવિધ રાજયોની કલા સંસ્કૃતિને એકમંચ પર પ્રસ્તૃત કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની અસ્મિતાને ઉજાગર કરી હતી.સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક તાતણે બાંધવાના પ્રયાસોની ઝલકને કલાકારોએ પ્રસ્તૃત કરી હતી.આ ઉપરાંત ગુજરાત,પંજાબ,આસામ,બિહાર,જમ્મુ કાશ્મીર,કેરાલા,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,રાજસ્થાન સહિત અન્ય રાજયોનું બિહુ,ભાંગડા,બધાઇ,સીધી ધમાલ,રાસ,વસંતરાય,ધનગીરી ગજા,પાયકા,ગોરમારીયા,કાલબેલિયા,ગુમાર,કથકલી નૃત્ય રજુ કર્યા હતા.કલાકારોએ ગુણવંતી ગુજરાતની અસ્મિતાને પણ ઉજાગર કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો પણ નિહાળ્યો હતો.ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500