સુરતના કામરેજના શેખપુર ગામની જમીનના મૃત્તક માલિકના નામે જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને ગેસ પાઈપલાઈન તથા રેલ્વે માટે સંપાદિત જમીનના નામે સરકારમાંથી લાખો રૃપિયાનું વળતર મેળવી ગુનાઈત ફોર્જરી ઠગાઈનો કારસો રચવાના કેસમાં બે આરોપીઓના રેગ્યુલર તથા એક અમદાવાદ આરોપીના આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ આર.કે.મોઢે નકારી કાઢી છે. મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના શેખપુર ગામના બ્લોક નં.145 ખાતા નં.210ની જમીનના મૂળ માલિક અમેરિકા ખાતે રહેતા કાશીબેન ભગવાનભાઈ પટેલે શેખપુરના ઝવેર જાદવભાઈ પટેલને માત્ર દેખરેખ માટે ખેતીકામ કરવા આપી હતી.પરંતુ મૂળ જમીન માલિકનું અમેરિકા ખાતે નિધન થયા બાદ આરોપી જયશ્રીબેન શૈલેશ ઝવેર પટેલ,મુકેશ બાવાભાઈ પટેલ,કાશીબેન ભગવાન પટેલ સહિત 11 જેટલા આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં મૂળ જમીન માલિકના નામે બોગસ દસ્તાવેજો બનાવીને ગેસ પાઈપલાઈન તથા ગુડ્સ ટ્રેન માટે સંપાદિત જમીનનું કુલ 95.13 લાખનું વળતર મેળવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.
આ કેસમાં કામરેજ પોલીસે જેલભેગા કરેલા આરોપી જયશ્રીબેન શૈલેશ પટેલ(રે.શેખપુર તા. કામરેજ) તથા રાવજી ઉર્ફે ભરત મથુરભાઈ માળી(રે.કણભા ગામ નવી નગરી તા. કરજણ જિ.વડોદરા)એ નિયમિત તથા અમરેલીના વતની આરોપી વિપુલ માધા ભવાણી (રે.લક્ષ્મવીલા,ન્યુ નરોડા,જિ.અમદાવાદ)એ આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટ તથા નીતીન ચોડવડીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુનાની તપાસ પ્રાથમિક તબક્કામાં છે.
આરોપીઓએ જમીનના બોગસ દસ્તાવેજોને સરકારી કચેરીમાં ખરા તરીકે ઉપયોગ કરીને જમીન સંપાદનના નાણાં મેળવી લઈ ગુનાઈત ઠગાઇનો કારસો રચ્યો હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપી વિપુલ ભવાણીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી છે.જ્યારે અન્ય બે આરોપીઓને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા પોલીસ તપાસ પ્રભાવિત થવાની વકી છે.જેને કોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપીઓના જામીનની માંગને નકારી કાઢી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500