તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જિલ્લામાં જમીન વિકાસ નિગમ લિમિટેડનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે.ખેત તલાવડીના કૌભાંડ બાદ નિગમ દ્વારા પાણીના ટાંકા પણ કાગળ પર બનાવી દઈ 38.50 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એસીબી વિભાગના તપાસમાં બહાર આવતા ચકચાર મચી ગઈ છે.તાપી જિલ્લા એસીબીએ અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે અલગ અલગ ગુન્હા રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે.જમીન વિકાસ નિગમની કચેરી દ્વારા પાણીના 14 ટાંકા કાગળ પર જ બનાવી લાખો રૂપિયા બારોબાર ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં કાગળ પર જ બનાવવામાં આવેલ ખેત તલાવડીનુ મોટું કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ બુધવારના રોજ વધુ એક કૌભાંડનો એસીબીએ ઝડપી પાડ્યું છે.સોનગઢ તાલુકાનાં જામખડી અને વાઝરડા ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.જામખડી ગામમાંમાં ખેડૂતોની જાણ બહાર અને તેમની કોઈ પણ જાતની અરજી બહાર ખેતરમાં પાણીના ટાંકા બનાવવાની યોજના હેઠળ પાણીના 3 ટાંકા બોગસ દસ્તાવેજના આધારે કાગળ પર જ બનાવી દેવામાં આવ્યા હતા.જેનું બિલ રૂ.8,24,685/- નું રજૂ કરવામાં આવ્યું હતું.આ રીતે વાઝરડા ગામે પણ 11 પાણીના ટાંકા ખેડૂતોની જાણ બહાર તેમની સર્વે નંબર વાળી જમીનના બોગસ દસ્તાવેજના આધારે બનાવી દેવાયા હતા.આ માટે રજૂ થયેલા બિલમાં 30,23,845/- રૂપિયા ખર્ચ બતાવવામાં આવ્યો હતો.એસીબીએ સ્થળ પર તપાસ કરતાં ક્યાય પણ પાણીના ટાંકા જોવા મળ્યા ન હતા.તથા ખેડૂતોના નિવેદન લેતા તેમાં પણ ખેડૂતોએ આવી કોઈ અરજી કરી ન હોવાનું બહાર આવ્યું હતું.એસીબીએ આ મામલે અલગ અલગ બે કેસો કરી જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક સંતોષ વિનાયકરાવ પારુલકર, ક્ષેત્ર નિરીક્ષક રામભાઈ કમાજીભાઈ ઠાકોર, વિનય ગોકળ પાડલિયા,કોન્ટ્રાકટર પ્રફુલ ચૌધરી, ભીખુ મોતી ચૌધરી, ભવરરામ જેઠારામ,હડમનારામ સુખારામ,અરવિંદ પરુ ભૂરીયા વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.તપાસ દરમ્યાન હજી પણ મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500