ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર સરોવર બંધ,વિયર ડેમ અને બાદમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે.આ તમામને લીધે સરકારે સ્થાનિક આદિવાસીઓની જમીનો પણ સંપાદિત કરી છે.અને સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા પણ આપી છે.ત્યારે સરકારે આદિવાસીઓને વિકાસના નામે ખાલી ખોખલા વચનો જ આપ્યા છે,આદિવાસીઓને રોજગારીની જગ્યાએ ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓને ફાયદો કરાવ્યો હોવાના આક્ષેપ સાથે આજરોજ કેવડિયા હેલીપેડથી નર્મદા જિલ્લા કલેકટર કચેરી સુધી"જમીન બચાવો આદિવાસી બચાવો"આંદોલન રૂપે આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવાની આગેવાનીમાં આદિવાસીઓની યાત્રા નીકળવાની હતી.પણ આ યાત્રા નીકળે એ પેહલા જ પોલીસે આ યાત્રાના મુખ્ય આગેવાન પ્રફુલ્લ વસાવાને ડિટેન કરી લેતા રેલી સ્થળે કોઈ જ ફરક્યું ન હતું.કેવડિયા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.આ યાત્રા નર્મદા પોલીસે ફક્ત મોદીના ઈશારે જ રોકી હોવાનો પ્રફુલ્લ વસાવાએ આક્ષેપ લગાવી રાજપીપળા પોલીસ મથક સામે ભૂખ હડતાળ બેસવાની ચીમકી ઉચ્ચારી આગામી 20,21 અને 22મી ડિસેમ્બરે કેવડિયા અને ગરૂડેશ્વર તાલુકા બંધનું એલાન પણ કર્યું હતું.તો બીજી બાજુ આ પદયાત્રા પોલીસે રોકતા અને મુખ્ય આગેવાનોને ડિટેન કરતા કેવડિયા ખાતે સ્થાનિક આદિવાસીઓ એકત્રિત થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.બાદમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રાજપીપળા પોલીસ મથકે પણ ધસી આવી પોલીસ મથકને ઘેરી લીધું હતું અને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવ્યું હતું.દરમિયાન આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાએ રાજપીપળા પોલીસ મથકમાં જ આદિવાસીઓને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે,આ યાત્રાને ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફ્રાન્સ મુદ્દે કોઈ લેવા દેવા નથી,આપણા આદિવાસીઓના મૌલિક અધિકારો મેળવવા આ યાત્રા કાઢવાની હતી,પગપાળા સંઘ જાય છે એની કોણ પરવાનગી લે છે.પણ લોકશાહી રૂપે આપણે આ પદયાત્રા મુદ્દે જિલ્લા કલેકટરને 100 રૂપિયાના સ્ટેમ્પ પર લેખિત જાણ કરી તે છતાં મોદીના ઈશારે આ યાત્રા પર પોલીસે રોક લગાવી છે.આ યાત્રા જો નીકળે તો આદિવાસીઓના વિકટ પ્રશ્નો દેશ સામે આવવાના હતા એ પ્રશ્નો દેશ સામે ન આવે,અહીના આદિવાસીઓની જમીનો સરળતાથી ઉદ્યોગપતિઓને આપી શકે એ માટે સરકારના ઈશારે આ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.આદિવાસીઓ કેવડિયા વિસ્તારમાં થયેલા વિકાસથી ખુશ છે એવું જુઠાણું ફેલાવવા આપણી લડતને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.આગામી 20,21 અને 22મી ડિસેમ્બરે કેવડિયા અને ગરૂડેશ્વર તાલુકામાં સરકાર,અધિકારી વર્ગ કે બીજું કોઈપણ આવે આદિવાસીઓએ એમને સહકાર આપવાનો નથી.હવે આવનારી પેઢી માટે આપણે આપણી જમીનો બચાવી રાખવાની છે,વિકાસના નામે આદિવાસીઓ પાસેથી જમીનો લઈ લેવાય છે ત્યારે ભવિષ્યમાં આપણે આશમાનમાં થોડા રેહવા જવાના છે,ખેતી માટે જમીન નહિ રહે તો આપણી આવનારી પેઢીનું શુ થશે.એટલે વિકાસના નામે આદિવાસીઓની જમીનો લૂંટવાનું જ્યાં સુધી બંધ નહિ થાય ત્યાં સુધી આપણે લડત લડતા રહેવું પડશે એમ જણાવ્યું હતું.અંતે પ્રફુલ્લ વસાવાને પોલીસે છોડી મુકતા મોટી સંખ્યામાં આવેલા અદિવાસીઓએ રાજપીપળા પોલીસ મથકેથી સૂત્રોચ્ચાર કરતા કરતા રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા બાદ ત્યાં પણ સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવ્યું હતું અને ફરિયાદપત્ર રૂપી દેશના રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.આ આવેદનપત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટથી આદિવાસીઓ પર થતી નકારાત્મક અસરોને રોકવા મુદ્દે પોતાની વિવિધ માંગણીઓ લેખિતમાં જણાવાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500