અમેરિકાનાં મેરીલેન્ડ કાઉન્ટીમાં રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક મીની પ્લેન દુર્ઘટનાનો શિકાર થયું હતું અને વીજળીનાં થાંભલામાં જઈને ફસાઈ ગયું હતું. મેરીલેન્ડ કાઉન્ટીનાં અધિકારીએ જાણકારી આપી હતી કે, વિમાનમાં સવાર બે યાત્રિકોને કોઈ નુકશાન પહોચ્યું નહતું. આ વિમાન વીજળીનાં થાંભલામાં જઈને ફસાયું હોવાથી આખા વિસ્તારની લાઈટોને થોડા સમય માટે બંધ કરી અને વિમાનને બહાર કઢાયું હતું. મળતી માહિતી અનુસાર, વ્હાઈટ પ્લેનસ ન્યુયોર્કથી રવાના થયેલા એક એન્જીનવાળા વિમાનને રવિવારે દુર્ઘટનાનો સામનો કરવો પડયો હતો.
આ વિમાન સાંજે 5.40 વાગે ગૈથર્સબર્ગનાં મોન્ટગોમરી કાઉન્ટી એરપાર્ક પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈને વીજળીનાં તારમાં ફસાઈ ગયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે, વિમાનમાં બે યાત્રિકો સવાર હતાં અને તેઓ સુરક્ષિત છે. મેરીલેન્ડ સ્ટેટ પોલીસે આ યાત્રિકોની ઓળખ પેટ્રિક મર્કલ અને જેન વિલિયમ્સ તરીકે કરી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ઓળખ મૂની M-20 તરીકે કરી છે.
તેમના જણાવ્યા અનુસાર દુર્ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. એફ.એ.એ અને નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફટી બોર્ડ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન વીજળીના થાંભલામાં ફસાયું હોવાથી મોન્ટગોમરી કાઉન્ટીના 90,000થી વધુ ઘરોની વીજળી કાપી નાખવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ, વરસાદને કારણે વિઝિબિલિટીનો પ્રશ્ન સર્જાયો હોવાથી આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન વ્યવસાયિક ક્ષેત્ર પાસે આવીને પડયું હોવાથી કોઈ દુર્ઘટના થઈ નહતી. એક અનુમાન અનુસાર, વિમાન ઘણી જ ઊંચાઈ પરથી નીચે વીજળીના થાંભલા પર આવીને પડયું હતું. મેરીલેન્ડ કાઉન્ટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500