Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું

  • March 10, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા: દેશ અને રાજયમાં ઘટતું જતું લિંગ પ્રમાણ ચિંતાનો વિષય છે,સરકાર દ્વારા કન્યા ભૃણ હત્યા અટકાવવા માટે બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમાં સૌને સક્રિય ભાગીદારી નોંધાવવા માટે રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું.આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં વ્યારા ખાતે આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ટાઉનહોલમાં યોજાયેલા મહિલા સંમેલનમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા મંત્રી પરમારે દરેક યુગમાં મહિલાઓનું આગવું સ્થાન રહેલું છે એમ જણાવી તેમણે દરેક સફળ પુરૂષની સફળતામાં સ્ત્રીનો અનન્ય ફાળો રહેલો હોય છે એમ જણાવ્યું હતું. તેમણે જે ઘરમાં દિકરી હોય એ ઘર, ઘર છે જયારે દિકરી વગરનું ઘર મકાન છે એમ જણાવી તેમણે પોતાને દિકરી નહિં હોવાનો રંજ છે એમ જણાવ્યું હતું. તાપી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા કૂપોષણ નાબુદી અંગે કરવામાં આવેલી કામગીરીને બિરદાવી તેમણે રાજય સરકારની માતૃત્વ વંદના યોજના, ચિરંજીવી યોજના,કસ્તુરબા પોષણ સહાય યોજના સહિતની યોજનાઓ અંગે માહિતી આપી હતી.ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકીએ રાજય સરકારે દ્વારા મહિલાઓના ઉત્થાન માટે રૂા.૩૦૮૦ કરોડની જંગી રકમ ફાળવી છે એમ મહિલાલક્ષી યોજનાઓનો બહેનો વધુમાં વધુ લાભ મેળવે એવી અપેક્ષા વ્યકત કરી હતી.રાજય સરકારે અનેક યોજનાઓ થકી બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમને વેગ આપ્યો હોવાનું જણાવી તેમણે રાજય સરકાર તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી હોવાનું જણાવ્યું હતું.વધુમાં તેમણે બહેનો પોતે પોતાની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી પોતાની કાળજી રાખે એવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન આશાવર્કર આશાબેન બેટી બચાઓ બેટી પઢાઓ વિષય પર અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.દરકાસબેન ગામીતે ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની તકેદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.મંત્રી અને અન્ય મહાનુભાવોએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને જિલ્લા અને તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડથી સન્માનિત કર્યા હતા.આ ઉપરાંત ઉજજવલા યોજના અંતર્ગત બહેનોને ગેસ કીટ તેમજ શ્રેષ્ઠ જુદા જુદા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અગાઉ સવારે આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ વિભાગના સંયુકત ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાઓ વિષય પર વ્યારા નગરમાં રેલી કાઢવામાં આવી હતી.મંત્રી અને ઉપસ્થિત અન્ય તમામ સૌ કન્યાભૃણ હત્યા અટકાવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application