તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:નર્મદા નદીના રમણીય તટ પર આકાર પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રાષ્ટ્રાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ૧.૬૯ લાખ ગામો માંથી એકત્રિત માટીની મહેંકથી બનેલ વોલ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું.
આઝાદીની ચળવળ દરમિયાન સરદાર પટેલે ખેડૂત આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું.જેને લઇને દેશના ખેડૂતોએ તેમના ખેતીના ઓજારોના લોખંડના ટુકડા અને માટીનું દાન કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સામાજીક સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા દેશના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત કરેલ જુદાજુદા આકાર, રંગ,મહેંક,કદ અને ઘટક ધરાવતી માટી માંથી વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.માટીથી બનેલી આ વોલ ઓફ યુનિટીએ ખેડૂતો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આપેલા પ્રદાનનું પ્રતિક છે.જુદાજુદા રંગ, આકાર,કદ,સુગંધ અને ઘટક ધરાવતી આ માટીની દિવાલ દેશની જુદીજુદી સંસ્કૃતિઓમાં રહેલી એકતાની મિશાલ છે.વોલ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે પધારેલા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું દેશના વિવિધ રાજ્યો માંથી આવેલા સાંસ્કૃતિક કલા મંડળોએ વિવિધતામાં એકતા સમા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા,મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ,મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય ભાજપા પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500