તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ના રાષ્ટ્રાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજારચો.મી. વિસ્તારમાં આકાર પામેલ ર૫૦ આધુનિક ટેન્ટની સુવિધાવાળા ટેન્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી મોદીએ ટેન્ટ સિટી ખાતે તકતીનું અનાવરણ કરીને પર્યાવરણ અને પર્યટન પ્રેમીઓ માટે ટેન્ટ સિટી ખૂલ્લી મૂકી હતી.વડાપ્રધાનશ્રીએ પ્રવાસીઓ માટેના અનોખા આકર્ષણસમા ટેન્ટ સિટીના વિવિધ ટેન્ટને પ્રત્યક્ષ નિહાળીને તેની સુવિધાઓ વિશે રસપૂર્વક વિગતો મેળવી હતી.આ પ્રદર્શનમાં મહિલાઓને આર્થિક ઉપાર્જન મળી રહે તે અંગે વિવિધ આર્ટીકલ પણ મુકવામાં આવ્યા હતા.વડાપ્રધાનશ્રીએ ટેન્ટ સિટી ખાતે સ્થાનિક ગાઇડ ભાઇ-બહેનો સાથે ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કર્યો હતો.આ ટેન્ટ સિટીને કારણે ઉભી થનારી રોજગારીની તકો પૈકી ૮૫ થી ૯૦ ટકા રોજગારીની તકો સ્થાનિક યુવાઓ માટે નિર્માણ થશે જેનાથી સ્થાનિક લોકોને માત્ર રોજગારી જ મળશે એવું નથી આ વિસ્તારના આર્થિક વિકાસને નવો વેગ મળશે.ટેન્ટ સિટી લોકાર્પણ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા,મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ,મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ,મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પૂણ્ય સલિલા નર્મદા નદીના કુદરતી સૌન્દર્યની વચ્ચે ટેન્ટ સીટીનું નિર્માણ કરાયું છે.તળાવ નં -૩ અને તળાવ નં -૪ના કિનારે પચાસ હજાર ચો.મી. અને વીસ હજાર ચો.મી. વિસ્તારમાં આ ટેન્ટ સીટી આકાર પામી છે.આ ટેન્ટ સીટીમાં જરૂરી માળખાકીય સુવિધાઓ,રોડ,વીજળી,પીવાનું પાણી જેવી શ્રેષ્ઠ સગવડો ઉપરાંત સમથળ જમીન ઉપર વિવિધ ભૂમિદ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે.તળાવ નં. ૪ નજીકના પ્રથમ ટેન્ટ સીટી-નર્મદામાં પચાસ ટેન્ટ અને તળાવ નં. ૩ના કિનારે આવેલા બીજા ટેન્ટ સીટીમાં ૨૦૦ ટેન્ટ બાંધવામાં આવ્યા છે.પ્રવાસીઓને ટેન્ટ સીટી ખાતે વડોદરાથી જવા –આવવાની વ્યવસ્થા તથા સ્થાનિક ફરવાલાયક સ્થળોની મુલાકાત જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.
આ ટેન્ટ સીટીમાં રિસેપ્શન એરિયામાં સરદાર પટેલના જીવન કવન સાથે સંકળાયેલી ક્વીઝ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.અહીં હરિત ઊર્જા સાથે આખું ટેન્ટ સીટી ઝળહળે તે માટે ૨૫૦ કિલોવોટ સૂર્ય ઊર્જા ઉત્પન્ન કરતી તરતી સૌર પેનલો ભવિષ્યમાં સ્થાપિત કરવાનું આયોજન પણ કરાયું છે.ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન દ્વારા આ આખું સંકુલ પર્યાવરણ હિતકારી બની રહેશે.આ એવું સ્થળ છે જ્યાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર દ્વારા એંઠવાડમાંથી બાયો- ફર્ટિલાઇઝર બનાવવામાં આવશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસનો વિસ્તાર એકદમ સ્વચ્છ રહે તેની પણ કાળજી લેવામાં આવી છે.આ સંકુલનો લગભગ બે લાખ ચો.મી.નો વિસ્તાર સંપૂર્ણતયા સાફ-સ્વચ્છ રહે તે માટે બીવીજી ઇન્ડિયા પ્રા. લિ.ને ફરજ સોંપાઇ છે.આ કંપની સફાઇ કામગીરી માટે આશરે ૧૦૦ કામદારોની ફોજને કામે લગાડશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલ ખાતે ખાસ તાલીમ પામેલા ગાઇડની સેવા પણ ઉપલબ્ધ હશે.માત્ર એક મહિનામાં જ સઘન તાલીમ દ્વારા ૮૦ વ્યાવસાયિક ગાઇડને તૈયાર કરવામાં આવ્યા છે.તૈ પૈકી ૬૦ ગાઇડ તો નેશનલ ઇસ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી – નીફ્ટ દ્વારા ડિઝાઇન કરી તૈયાર કરાયેલા યુનિફોર્મમાં સજ્જ થઇને ટેન્ટ સીટીમાં ફરજ બજાવશે શ્રેષ્ઠ તાલીમ પામેલા આ ૬૦ ગાઇડમાં ૧૪ મહિલાઓ અને ૪૬ યુવાનો છે. એટલું નહી ૩૭ યુવાઓ નર્મદા જિલ્લાના અને ૧૪ યુવાઓ છોટા ઉદેપુર જિલ્લાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application