સુરત જિલ્લાના મહુવા-તરસાડી ખાતે રાષ્ટ્રના આન, બાન અને શાન સમા ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કરાવતાં નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રજાજનોને કઠોર પુરૂષાર્થ અને દૃઢ સંકલ્પશક્તિથી ગુજરાતને દેશભરમાં ઉત્તમથી સર્વોત્તમ બનાવી દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનું આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ 'શાંતિ, સલામતી અને સદ્દભાવ'ના પાયા પર વિકાસની ઈમારત ચણવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની સર્વે નાગરિકોને શુભકામના પાઠવી હતી.
સુરત જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માલિબા કેમ્પસ, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં દેશભક્તિના જુવાળ વચ્ચે અનોખા અંદાજમાં કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સુરત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટરશ્રીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા આઝાદીના ઘડવૈયા, નામી-અનામી વીર શહીદોનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળ પ્રસાર થઇ રહ્યો છે,ત્યારે દેશની અઝાદી માટે પોતાનું સસ્વ ન્યોછાવર કરનારા દેશના વીર સપુતોના સ્વપ્નોનું ભારત આકાર લઇ રહ્યું છે. આઝાદીની આહલેકમાં ગુજરાતની ભુમિનું અદકેરું પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, નહેરૂજી, સાવરકરજી જેવા અસંખ્ય મહાપુરુષોએ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે અથાગ સંઘર્ષ કર્યો. જેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે.
ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે ‘એક રાષ્ટ્ર’ બનાવ્યું જેથી બારડોલીની ભુમિ પરથી તેમને સરદારનું બિરુદ પ્રાપ્ત થયું હતું.ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત' બનાવવાની દિશામાં નક્કર કદમ માંડ્યા છે. વડાપ્રધાનશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડિયા સ્ટચ્યુ ઓફ યુનીટી ખાતે ૧૮૨ મીટરની ઊંચાઇની પ્રતિમાનું નિર્માણ કર્યું છે એ સાચી શ્રધ્ધાજંલિ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે વિશ્વના વિકસિત દેશો ભારતને ઉપેક્ષિત નજરે જોતા હતા.આજે એજ દેશો ભારતની વિકાસયાત્રા જોઇને પ્રત્યેક ભારતવાસીઓને સન્માનજનક રીતે જોઇ રહ્યા છે.યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે,ત્યારે ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા.વાલીઓ ચિંતિત હતા એવા સમયે સરકાર દ્વાર ઓપરેશન ગંગા હાથ ધરી તમામ વિદ્યાર્થીઓને પરત ભારત લાવ્યા હતા.ભારતના તમામ લોકોને સેવા સરકાર પ્રયત્નશીલ છે. નક્કર ઈરાદાઓ સાથે રાજ્યને શિક્ષિત અને દીક્ષિત બનાવવાનું દાયિત્વ નિભાવી રહી છે. રાજ્ય સરકાર દૃઢ ઈચ્છાશકિત, સક્ષમ નેતૃત્વ અને જાગૃત્ત જનશક્તિના સંગમથી પીડિતો, શોષિતો, વંચિતો, ગરીબો, આદિવાસીઓની દરકાર લેનારી છે એવી સામાન્ય નાગરિકોને અનુભૂતિ થઈ રહી છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં શ્રી દેસાઇએ કહ્યું કે, સ્વાતંત્ર્ય સમયની ઊર્જાનું અમૃત આજની યુવા પેઢી ચાખે અને રાજ્ય અને દેશના વિકાસ માટે તેમના સામર્થ્યનો સર્વોત્તમ ઉપયોગ કરે એ માટેનો આ અમૂલ્ય અવસર છે.મનમાં નવા વિચારો, નવા સંકલ્પો દ્વારા વિકાસની એક નવી જ્યોત પ્રગટવાની છે. ૨૧મી સદીમાં ભારતને નવી ઊંચાઈઓ ઉપર લઇ જવા માટે સંપૂર્ણ તાકાતથી સામર્થ્યનો ઉપયોગ કરવાનો છે.ગુજરાતને વિકાસની નવતર બુલંદીઓ ઉપર પહોંચાડવા માટે છેલ્લા બે દશકથી જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેની જનજનને પ્રતીતિ છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની સરકાર અનેગુજરાતમાં શ્રીભૂપેન્દ્રભાઈ પટેલની ઊર્જાવાન સરકાર હોવાને કારણે ગુજરાતની વિકાસ યાત્રા ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા તેજ રફતારથી આગળ ધપી રહી છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે,કોરોના કાળના કપળા દિવસોમાં કોઇ પણ વ્યકિત ભુખે ન સુવે એની ચિંતા કરી છે. દરેકના ઘરે અન્ન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.ઉપરાંત દરેક લોકોને વેક્સિનેશન કરાવી ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ ખેડુતો માટે આશીર્વાદરૂપ બની હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું કે, કૃષિ અને ઉદ્યોગ આ બે ક્ષેત્રોના સમતોલ વિકાસની પરિભાષા ગુજરાતે દેશ અને દુનિયાને બતાવી છે.વાવણીથી વેચાણ સુધી આ સરકાર ધરતીપુત્રોની પડખે સતત એક પરિવારની સભ્યની જેમ ઉભી છે.
ગુજરાતનો કૃષિ વિકાસ દર છેલ્લા બે દાયકાથી ડબલ ડિઝીટની આસપાસ જ રહે છે.વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે વડાપ્રધાનશ્રીએ ભેટ આપતા ગુજરાતમાં ૫૭.૪૮ લાખ કિસાનોને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ ૧૦મા હપ્તાના કુલ રૂ.૧૧૪૯ કરોડ એક જ દિવસમાં ડી.બી.ટીથી આપવામાં આવ્યા છે.ખેતરોમાં ટ્રાન્સમિશન લાઇન તથા ટાવર ઉભા કરવા માટે ખેડુતોને અપાતા ૭.૫ ટકાના આર્થિક વળતરને બમણું કરી ૧૫ ટકા કરવામાં આવ્યું છે.ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ઉત્પાદન વધે અને કૃષિ ઇનપુટ ખર્ચે ઘટે તે માટે નવતર અભિગમ અમલમા મુકવામાં આવ્યો છે આમ સરકાર ખેડુતો હિત માટે હંમેશા કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.
સૌર ઉર્જા નિતિ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.સોલાર રૂફટોપના સ્થાપનમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે.સોલાર રૂફટોપ થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમ મેળવ્યો છે. ભારતની કુલ રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત ૧૩ ટકા હિસ્સો ધરાવે છે.કોલસા આધારિત વીજ વપરાશને ધીરે ધીરે ઘટાડી ક્લિન એન્ડ ગ્રીન એનર્જીનું મહત્તમ ઉત્પાદન કરવા સોલાર પૉલીસી બનાવાઇ છે.ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે.ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષમાં રીન્યુએબલ એનર્જી ઊર્જા ઉત્પાદનક્ષમતા ૧૬ ગણી વધી છે.એમ તેમણે કહ્યું હતું.
ગુજરાત ચરિતાર્થ કરવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. નારી શક્તિનું સન્માન, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતી સરકારે આ વર્ષનાં બજેટમાં મહિલા સશક્તિકરણની યોજનાઓ માટેની આર્થિક જોગવાઇમાં ૪૨ ટકાનો માતબર વધારો કર્યો છે.રાજ્ય સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની કન્યાઓની કાળજી લઈ રહી છે.એમ તેમણે કહ્યું હતું.
શ્રી દેસાઇએ કોરોનાના કપરા કાળમાં વિશિષ્ટ જનસેવા પ્રદાન કરનાર સૂરત જીલ્લાના મહેસૂલી અઘિકારીશ્રી, કર્મચારીશ્રી , પોલીસ અધિકારીશ્રી, પોલીસ જવાનો , સિવિલ હોસ્પિટલના તબીબો, ૧૦૮ સેવા ના કર્મી , સહીત જીલ્લા માં શ્રેષ્ઠ સેવાઓ આપનાર કર્મ યોગીઓનું મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ના શુભ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.. સમારોહના અંતે મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને જતન માટેનો સંદેશ આપ્યો હતો.મંત્રીશ્રીએ મા ભોમની રક્ષા કાજે પ્રાણ ન્યોચ્છાવર કરનારા શહીદવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓના મહામૂલા યોગદાનને યાદ કરીને શબ્દાંજલિ અર્પી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application