Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવાઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો

  • August 15, 2022 

આજે 15મી ઓગષ્ટ 2022નાં રોજ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે સવારે 07:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 9મી વખત સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ્યો છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.




તેમણે જણાવ્યું કે, 'આજનો દિવસ ઐતિહાસિક છે. આજે નવી દિશામાં, નવા સંકલ્પ, નવા સામર્થ્ય સાથે ડગ માંડવાનો શુભ અવસર છે. આઝાદીના જંગમાં ગુલામીનો સંપૂર્ણ કાલખંડ સંઘર્ષમાં વીત્યો છે. હિંદુસ્તાનનો એક પણ ખૂણો એવો નહોતો, એક પણ કાળ એવો નહોતો જ્યારે દેશવાસીઓએ સેંકડો વર્ષો સુધી ગુલામી સામે લડાઈ ન આપી હોય. પોતાનું જીવન ન હોમ્યુ હોય. આહુતિ ન આપી હોય. આજે આપણે સૌ દેશવાસીઓ માટે દરેક મહાપુરૂષ, ત્યાગી, બલિદાનીને વંદન કરવાનો અવસર છે. તેમના સપના પૂર્ણ કરવા સંકલ્પ લેવાનો અવસર છે.'




લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશને આગળ વધારવા માટે આજે આપણે 5 પ્રણ, સંકલ્પ લેવાની જરૂર છે. તેમણે દેશવાસીઓ માટે આગામી 25 વર્ષ માટેની બ્લૂપ્રિન્ટ જણાવીને જ્યારે આપણે સૌ આ 5 સંકલ્પ લઈશું ત્યારે જ તે બ્લૂપ્રિન્ટ સફળ બનશે તેમ જણાવ્યું હતું.




વડાપ્રધાને જણાવ્યું કે, 'હવે દેશ મોટા સંકલ્પ સાથે આગળ વધશે, તે વિશાળ સંકલ્પ છે ‘વિકસિત ભારત’ અને તેનાથી ઓછું કશું ન જોઈએ. બીજો સંકલ્પ છે, ‘ગુલામીમાંથી મુક્તિ..’ કોઈ પણ ખૂણામાં જો આપણા મનની અંદર ગુલામીનો એક અંશ પણ હોય તો તેને કોઈ પણ સંજોગોમાં બચવા ન દેવો.'




આગળ જણાવ્યું કે, 'ત્રીજો સંકલ્પ છે -  આપણને આપણા ‘વારસા પર ગર્વ’ હોવો જોઈએ.. આ જ એ વારસો છે જેણે ભારતને સ્વર્ણિમ કાળ આપ્યો હતો.. આ જ એ વારસો છે જે સમયે સમયે પરિવર્તન કરવા માટેનું સામર્થ્ય ધરાવે છે. ચોથો સંકલ્પ છે - એકતા અને એકજૂથતા..130 કરોડ દેશવાસીઓમાં એકજૂથતા. કોઈ પોતાનું નહીં, કોઈ પારકું નહીં. આ એક ભારત શ્રેષ્ઠ ભારત માટેનો સંકલ્પ છે.




પાંચમો સંકલ્પ છે – ‘નાગરિકોનું કર્તવ્યપાલન’, જેમાંથી વડાપ્રધાન પણ બાકાત નથી હોતા અને રાષ્ટ્રપતિ પણ બાકાત નથી.' વડાપ્રધાને જણાવ્યું કે, આગામી 25 વર્ષ માટે આપણે આ 5 સંકલ્પો પર પોતાની શક્તિ કેન્દ્રિત કરવાની રહેશે. આ 5 સંકલ્પો સાથે 2047નાં વર્ષમાં જ્યારે આઝાદીનાં 100 વર્ષ પૂરા થશે ત્યારે આઝાદીના દીવાનાઓના સપનાઓ પૂરા કરવાની જવાબદારી સાથે આગળ વધવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application