Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 756 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત

  • March 21, 2024 

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી, ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ ટીમો કાર્યરત થઈ ગઈ છે. લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.


રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબિંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 756 ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.35 કરોડની કિંમતનો 39,584 લીટર દારૂ, રૂ.2.28 કરોડની કિંમતનું 3.41 કિલો સોનું અને ચાંદી તથા મોટરકાર, મોટર સાઈકલ અને અખાદ્ય ગોળ સહિતની રૂ.2.27 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઇપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી C-Vigil (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024થી તા.20/03/2024 સુધી કુલ 218 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક અસરથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.


National Grievance Services Portal પર તા.16/03/2024થી આજદિન સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 942, મતદાર યાદી સંબંધી 68, મતદાર કાપલી સંબંધી 20 તથા અન્ય 321 મળી કુલ 1,351 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 08 ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 08, રાજકીય પક્ષો લગત 01 તથા અન્ય 42 સામાન્ય મળી કુલ 51 ફરિયાદો મળી છે. વધુમાં તા.16/03/2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,47,195 તથા ખાનગી મિલકતો પરથી કુલ 54,924 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application