તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં ૧.૦૭ લાખ કુંટુંબોને આવરી લેવામાં આવશે એમ રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઝારખંડથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના રાષ્ટ્રવ્યાપી શુભારંભ પ્રસંગે જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી વસાવાએ રાજય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતે છણાવટ કરી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે વિગતે જાણકારી આપતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના છે. આ યોજના અંતર્ગત દેશના પચાસ કરોડ લાભાર્થીઓને રૂા. ૫ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજયના ૪૪ લાખ પરિવારોના ૨.૨૫ કરોડ નાગરિકોને લાભાન્વિત કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાએ પણ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાર્ડનું વિતરણ કર્યું હતું.રાષ્ટ્રવ્યાપી યોજનાના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનું પણ જીવંત પ્રસારણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી, તાપી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા મોહનભાઇ કોકણી, જિલ્લા કલેકટર એન.કે.ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલ, જનરલ હોસ્પિટલના સીવિલ સર્જન નૈતિકભાઇ ચૌધરી, અધિક જિલ્લા મુખ્ય અધિકારી આર.એ.રંગુનવાલા, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500