ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે તાલુકાકક્ષાનો ૭૨મો વન મહોત્સવ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
વૃક્ષોના જતન અને સંવર્ધનની મહત્તા સમજાવતા મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ૧૯૫૦માં ગુજરાતના પનોતા પુત્ર સ્વ.કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવની શરૂઆત કરાવી હતી. જેને અનુસરીને રાજય સરકાર દરવર્ષે રાજયકક્ષાએ સાંસ્કૃતિક વનો અને જિલ્લાકક્ષાએ વન મહોત્સવોની ઉજવણી કરીને આગામી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવા આશયથી સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે.
મંત્રી ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વન્ય સંપદા પર રહેલો છે. તેમણે ખ્યાતનામ ભજનિક હરીભાઈ ભરવાડના ભજન “જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા”ની રચનાને વ્યકત કરીને માનવજીવનમાં જન્મથી લઇને મૃત્યુ સુધી કાષ્ટના મહત્વને સમજાવ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓમાં પરિવર્તન આવ્યું છે. જેને નાથવા માટે વૃક્ષોનું વાવેતર કરીને સૌ ગુજરાતીઓને ગ્રીન ગુજરાત કલીન ગુજરાત, હરિયાળા ગુજરાતની નેમ સાકાર કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. દરેક વ્યકિતએ વૃક્ષોનું મહત્વ સમજી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાની હિમાયત કરી હતી. આ વેળાએ સામાજીક વનીકરણ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500