ગાંધીનગરનાં કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસિઝના સંચાલકોએ ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારના ૨૩થી વધુ લોકોને અલગ અલગ દેશના વિઝા અપાવાના બહાને ૭.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઈ હતી ત્યારે હવે કલોલના પરિવારને પણ ૨૫ લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. હાલમાં લોકો વિદેશ જવા માટે લાખો રૃપિયા ખર્ચી રહ્યા છે અને એજન્ટો દ્વારા તેમની પાસેથી રૂપિયા પડાવીને છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ઉમિયા ઓવરસીઝ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.
જેમાં દંપતી અને અન્ય સંચાલક દ્વારા કરોડો રૂપિયા ઉઘરાવીને ૨૩થી વધુ લોકોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે આ વખતે કલોલ ખાતે આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મુકેશકુમાર અમૃતલાલ પટેલે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીને કેનેડા અભ્યાસ અર્થે જવાનું હોવાથી ઉમિયા ઓવરસીઝના સંચાલક અંકિત શૈલેષભાઈ પટેલ અને તેમના ભાગીદાર વિશાલ મહેશભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે આ સમયે અંકિતભાઈના પત્ની ઓફિસમાં હાજર હતા અને ૬૫ લાખ રૂપિયામાં કેનેડા મોકલવાનું નક્કી થયું હતું.
જે પેટે ૨૫ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા પરંતુ તેમની દીકરીને કેનેડા મોકલવા માટે કોઈ જ પ્રોસેસ કરવામાં આવી ન હતી. જેથી આ બંને જણાએ ભેગા મળીને તેમની સાથે ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી ગુનાહિત ષડયંત્ર રચ્યું હોવા અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વિદેશ ભાગી ગયેલા અંકિત પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે અગાઉ પણ તેની સામે સંખ્યાબંધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500