તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદ પડયા બાદ મચ્છરના ઉપદ્રવમાં વધારો થઇ રહ્યો છે.જેને પગલે મચ્છરજન્ય રોગના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.આવી પરિસ્થિતિમાં મેલેરિયા અને ડેન્ગ્યુના છુટા છવાયા કેસ પ્રકાશમાં આવી રહ્યા છે.સોનગઢ નગર સહિતના વિસ્તારમાં રોગચાળો બેકાબૂ બન્યો છે.મચ્છરજન્ય રોગોએ અનેક વિસ્તારોને ભરડામાં લીધા છે.સંખ્યાબંધ લોકો ડેન્ગ્યુના શિકાર બની રહ્યાં છે.પ્રાથમિક માહિતી અનુસાર આરોગ્ય તંત્ર દ્વારા ફોગીંગ અને દવાનો છટકાવ થતો ન હોવાની પણ વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયુ છે.
સોનગઢ નગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી મેલેરીયા,ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ સબ સલામત હોવાનું કહી રોગચાળાની સાચી પરિસ્થિતિ ઉપર ઢાંક પિછોડો કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યા છે.સોનગઢના દશેરા કોલોની વિસ્તારમાં એક મહિલાને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.એક ખાનગી હોસ્પિટલના સ્ટાફના કર્મચારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે,માત્ર એક જ હોસ્પિટલમાં 10 દિવસમાં 15થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.તાપી જિલ્લાના વ્યારા,સોનગઢ નગરની વાત કરીએ તો જૂલાઈ થી સપ્ટેમ્બર માસ સુધીમાં મેલેરીયા,ડેંગ્યુ સહિત મચ્છરજન્ય કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.આમ છતાં આરોગ્ય તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે,પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.અત્રેઉલ્લેખનિય છેકે,ડેંગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે,દિવસે કરડે છે.મોટાભાગે પગમાં કરડતા હોવાથી પેન્ટ,બૂટ અને ફૂલ બાંયનું શર્ટ પહેરવા,નાના બાળકોને બપોરે શરીર ખુલ્લું રહે તેવા કપડાં ન પહેરવા,પાણી ભરીને રખાતા વાસણો ઘસીને સાફ કરવા, પાણીના પાત્રોને ઢાંકીને રાખવા,ફ્રીઝની ટ્રે નિયમિત સાફ રાખવાથી ડેંગ્યુથી બચી શકાય છે.જો કે,ડેન્ગ્યુ પોઝીટીવના કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી પ્રજામાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500