Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Gujarat:રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના ૩ર શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરાયા

  • September 05, 2018 

રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ વિદ્યાર્થીઓમાં અક્ષરજ્ઞાનની સાથે વ્યક્તિત્વ ઘડતરના શિક્ષણ માટે ગુરૂ-શિક્ષકની સવિશેષ જવાબદારી છે અને તે માટે શિક્ષકોએ સ્વયં તૈયાર થવું તે આજના સમયની તાતી જરૂરીયાત છે,તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં શિક્ષક દિવસ પ મી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષકોના રાજ્ય પુરસ્કાર સન્માન કાર્યક્રમ રાજ્યપાલશ્રી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અવસરે શિક્ષક સમુદાયને પ્રેરક આહવાન કર્યુ કે,ચેલેન્જીસ-પડકારો અને પોટેન્શીયલ-સંભાવનાઓ વચ્ચે સમન્વય સાધીને સરકારી શાળાના બાળકોને ધગશ-પ્રોત્સાહન આપી ધાર્યા પરિણામો મેળવી શકાશે.રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ૩ર શ્રેષ્ઠ શિક્ષકોનું શોલ,પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારોથી આદર સન્માન કર્યું હતું.વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે એવી શ્રધ્ધાથી મૂકે છે કે તેનું ચારિત્ર્ય,ક્ષમતા,બુધ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક-ગુરૂજન ઘડશે.તેમણે આ સંદર્ભમાં કહ્યું કે,શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ છે.બહુધા બાળકો મોટા થઇને શિક્ષક,ડૉકટર કે પોલીસ બનવાના સપના જોતા હોય ત્યારે શિક્ષકની તેના માનસ પર કેટલી અસર હોય છે તેની ભૂમિકા આપતાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે,શિક્ષકના આ નોબલ પ્રોફેશનથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર,ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માતા બને તે આવશ્યક છે.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શિક્ષકોની સજ્જતા અને સામર્થ્ય પર વિશ્વાસ મૂકતાં કહ્યું કે,આ ગુરૂજનોની પ્રતિબદ્ધતા અને કર્તવ્યભાવનાથી સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ-ગુણોત્સવ અભિયાનોને જવલંત સફળતા મળી છે.હવે,એ જ શિક્ષકોના સહયોગથી મિશન વિદ્યા અભિયાન તહેત રાજ્યનું એક પણ બાળક લેખન-વાંચન-ગણન ન આવડતું હોય તેવું ન રહે તેવી સ્થિતી નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ ભાવિ પેઢી જ્ઞાન સમૃદ્ધ બને અને બાળકને શાળામાં આવવું હંમેશા ગમે તેવું વાતાવરણ પોતાના આગવા ઇનોવેટીવ પ્રયોગોથી સર્જવા શિક્ષકોને પ્રેરણા આપી હતી.તેમણે કહ્યું કે,રાજ્યની સરકારી શાળાઓમાં સમાજના વંચિત,પીડિત,શોષિત ગરીબ વર્ગોના બાળકો અભ્યાસ માટે આવતાં હોય છે તેમને પણ જ્ઞાન સમૃદ્ધ બનાવવા મિશન વિદ્યા ઉપાડયું છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર શિક્ષણ માટે રૂ. ર૭ હજાર કરોડ જેવું માતબર બજેટ ફાળવીને રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને શિક્ષણ જ્ઞાન ગંગાના વાહક બનાવી વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઊભો રહેવા સક્ષમ બનાવવાના સઘન આયોજનની વિશદ છણાવટ કરી હતી.તેમણે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે,રાજ્યમાં અગાઉ ૯પ-૯૬ સુધી માત્ર ૪ર હજાર પ્રાથમિક શાળાઓ હતી તે આજે વધીને ૬૦ હજાર જેટલી થઇ છે.એટલું જ નહિ,વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૧ કરોડ જેટલી થઇ છે.સાક્ષરતા દરમાં ૯ ટકાનો વધારો ૧૦ વર્ષમાં થયો છે.મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોનું ગુરૂજનોનું જે મહાત્મ્ય મહાન વ્યકિતઓના ઘડતરમાં રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં પૂજ્ય ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંન્દ્રજી,બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક પંડિત મદનમોહન માલવીયા વગેરેનું સ્મરણ કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠતા પ્રાપ્ત શિક્ષકોને પોતાના કાર્ય થકી આ સિદ્ધિ મેળવવા અંગે અભિનંદન પાઠવતાં તેઓ અન્યો માટે પથદર્શક બનશે તેવી અભિલાષા વ્યકત કરી હતી. રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં કહ્યું કે,પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એ શિક્ષક નહીં,દાર્શનિક,વિદ્વાન તથા ચિંતક હતા.તેઓ દ્વારા શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વના વિકાસ માટે જે પ્રયાસો થયા તેનો આપણે અમલ કરી શિક્ષણ આપીશું તો જ શિક્ષક દિનની ઉજવણી સાર્થક ગણાશે.શ્રી કોહલીએ કહ્યું કે,સમાજના નિર્માણમાં શિક્ષિત વ્યક્તિની ભૂમિકા મહત્વની છે.નયા ભારતના નિર્માણ માટે તથા વિકસીત દેશની હરોળમાં આવવા માટે માનવ સંશાધનના વિકાસની જરૂર છે.જે માટે શૈક્ષણિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે ત્યારે  શિક્ષકોએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને શિક્ષણની સાથેસાથે જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપવું પડશે.તેમણે શિક્ષણ માટે શિક્ષકની પાસે જ્ઞાનની સાથેસાથે સંવેદનશીલતાનો ગુણ હશે તો જ વિદ્યાર્થીઓનું સાચું ઘડતર થશે તેમ ઉમેર્યુ હતું.શ્રી કોહલીએ શિક્ષણનો વ્યાપ વધારવા અને ગુણાત્મક શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજાતા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમને બિરદાવ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોને પરિવારના મોભી તરીકે અભિનંદન આપી આજીવન શિક્ષક તરીકેની લાગણી રાખનાર દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની સ્મૃતિમાં ઉજવાતા શિક્ષક દિને સૌ શિક્ષકોને સમાજ ઘડતરમાં ઉચ્ચ ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી.શ્રી ચુડાસમાએ ઉમેર્યું કે,વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂં પાડવા માટે શિક્ષકોએ મારા પણાનો ભાવ કેળવવા સંકલ્પબદ્ધ બનવું પડશે.રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓને માળખાગત સવલતો પૂરી પાડવમાં આવે છે ત્યારે સમાજની જે અપેક્ષાઓ છે તે પરિપૂર્ણ કરવી એ આપણી નૈતિક ફરજ છે.શિક્ષણની સાથે સાથે ગ્રામ્ય સ્તરે કૌટુંબિક અને સામાજિક સમરસતા પેદા કરવામાં જે કામ શિક્ષકોએ કર્યું છે તે સરાહનીય છે. તેમણે કહ્યું કે,મહાત્મા  ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી થનાર છે તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા ઘનીષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.તેમાં પણ આપ સૌ યોગ્ય યોગદાન આપશો અનુરોધ તેમણે શિક્ષકોને કર્યો હતો.તેમણે શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સૂચકાંકો નિયત કરાયા છે તે મુજબ સૌ ઉચ્ચ કોટિનું શિક્ષણ આપશો તો ચોક્કસ દેશભરમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહેશે,તેવી અપેક્ષા વ્યકત કરી હતી.આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે,શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા,સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર શ્રીમતી પી.ભારતી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સચિવ શ્રી વિનોદ રાવે આભારવિધિ કરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application