તાપીમિત્ર ન્યુઝ,આહવાઃતા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૮ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં ડાંગીજનો મનમૂકીને મ્હાલી રહ્યાં છે.
ડાંગી પ્રજાજનો માટે સૌથી મોટો ઉત્સવ એટલે હોળી-ધૂળેટી અને તેની સમીપે ભરાતો ડાંગ દરબારનો ભાતિગળ લોકમેળો.ખાઉલા, પીઉલા, અને નાચુલાના જીવનમંત્ર અનુસાર આ મેળામાં ડાંગી પ્રજાજનો મનમૂકીને મ્હાલે છે. પ્રકૃત્ત્િાની ગોદમાં, પાવરીના શરૂ અને ઢોલકની થાપ સાથે નાચલા, ગાતા ડાંગીજનો માટે જીવનને માણવાનો આ અનેરો અવસર છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.રપ થી ર૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન આયોજિત ડાંગ દરબારના આ લોકમેળામાં હજ્જારોની સંખ્યામાં, ગામેગામથી જનમેદની ઉમટી પડે છે.આ લોકમેળામાંથી તેઓ જીવન જરૂરિયાતની રોજીંદી ચીજવસ્તુઓની પણ ભરપૂર ખરીદી કરતા હોય છે. કપડા, બુટચંપલ, વાસણો, કટલરી સહિત અનેકવિધ ચીજવસ્તુઓ,ખાણીપીણીની મોજ સાથે ખરીદતા, ડાંગીજનો તેમની આગવી અદા અને મસ્તીમાં મસ્ત રહેતા હોય છે.ડાંગની આ ભાતિગળ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા આવતા રાજ્ય, રાજ્ય બહારના લોકો સહિત હવે તો વિદેશી મહેમાનો પણ અહીં ફરતા નજરે પડે છે. ડાંગની આગવી ઓળખ એવા શુદ્ધ અને પૌષ્ટિક નાગલીના પાપડ, સહિત નાગલી/રાગીની વિવિધ બનાવટો, બિસ્કિટ, અથાણા સહિત બામ્બુ ક્રાફટની નાની મોટી આઇટમો, ફર્નિચર, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, સહિત પરંપરાગત નાગલીના રોટલા, ચોખાના પુડા, ભુજીયુ, અડદની દાળ, લીલા લસણ/મરચાની ચટણી, દાળ, ભાત, ખમણ, ભજીયા, જલેબી સહિતની ખાણીપીણીની આઇટમોની આ દિવસોમાં ભારે માંગ રહે છે.
આ બધી ચીજવસ્તુઓ એક જ ઠેકાણે ઉપલબ્ધ થઇ રહે તે માટે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ડાંગ સેવા મંડળના પટાંગણમાં ડાંગી વિલેજ ઃ ફૂડકૉટના માધ્યમથી વિવિધ સ્ટોલ્સ ઉપર આવી તમામ ચીજવસ્તુઓ એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવી છે. અહીં ડાંગ સહિત નવસારી, તાપી જેવા જિલ્લાઓમાંથી પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અને વન વિભાગ હસ્તકના સખી મંડળો, સ્વસહાય જૂથો દ્વારા જુદી જુદી ચીજવસ્તુઓનું વેચાણ-કમ-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેનો પ્રજાજનો લાભ લઇ રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500