લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન મથકોને સજ્જ કરી દેવામાં આવ્યા છે ત્યારે અહીં ઇવીએમ સહિત ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓ સોમવારે રવાના થશે તે પૂર્વે વિધાનસભા બેઠક પ્રમાણે આવતીકાલે કર્મચારીઓનું આખરી રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 1320 જેટલા મતદાન મથકો નિયત કરી દેવામાં આવ્યા છે. જેમાં એક મતદાન મથક દીઠ પાંચ કર્મચારીઓ ફરજ બજાવશે તો જિલ્લામાં 6600 પોલીંગના કર્મચારીઓ રહેશે. તો બીજી બાજુ સર્કલ અને ઝોનલ સહિત ચુંટણી કામગીરીમાં કુલ 10 હજારથી પણ વધારે કર્મચારીઓ રાખવામાં આવશે. લોકસભા ચૂંટણી અંતર્ગત સરકારી કર્મચારીઓનું લીસ્ટ બનાવીને ઇલેક્શન ડયુટી માટે પ્રથમ રેન્ડમાઇઝેશન દોઢ મહિના પહેલા કરવામાં આવ્યું હતું.
જેમાં પગાર અને હોદ્દા પ્રમાણે 120 ટકા કર્મચારીઓની ડયુટી નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ એક મહિના પછી પોલીટીકલ પાર્ટીના પ્રતિનિધીઓને સાથે રાખીને ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવેલા રેન્ડમાઇઝેશનમાં કર્મચારીઓને વિધાનસભા વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો. તે દરમ્યાન પ્રથમ અને બે દિવસ પુર્વે આખરી તાલીમ પણ આપવામાં આવી હતી. જેમાં આ પોલીંગ સ્ટાફ દ્વારા બેલેટ પેપેર દ્વારા મતદાન પણ કર્યું હતું.હવે આવતીકાલે રવિવારે આખરી રેન્ડમાઇઝેશનમાં કર્મચારીઓને જે તે બુથ ફાળવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા સોફ્ટવેર આધારીત અને ગોપનીય હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા મતવિભાગ પ્રમાણે આવતીકાલે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે.
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતવિભાગમાં ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ અને દહેગામનો પણ સમાવેશ કરવામાં આવે છે ત્યારે આ પાંચ મતવિભાગમાં જિલ્લાના કુલ 1320 જેટલા મતદાન મથક નિયત કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક મતદાન મથક દીઠ પાંચ કર્મચારીઓ એમ કુલ 6600 જેટલા કર્મચારીઓ રાખવામાં આવનાર છે. ઉપરાંત 20 ટકા સ્ટાફ રીઝર્વ રાખવામાં આવ્યો છે. આ સાથે ઝોનલ અને સર્કલ મળી કુલ ચૂંટણીલક્ષી કામગીરીમાં દસ હજાર કરતાં વધુ કર્મચારીઓ જોતરાશે. આ સિવાય પોલીસ અને સીપીએમએફ સાથે કુલ ત્રણ હજારથી વધુ સુરક્ષા જવાનો પણ મતદાન મથકો ઉપર રાખવામાં આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500