તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા ઝંડાચોકથી સયાજી ગ્રાઉન્ડ સુધી પોલીસ બેન્ડના સુમધુર તાલ સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લોકોમાં જાગૃતિ આવે રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આદર અને સન્માનની ભાવના તથા રાષ્ટ્ર ભાવના પેદા થાય એ માટે સમગ્ર રાજયમાં તમામ જિલ્લાના વડામથકોએ તા.૧૪મી ઓગસ્ટ નારોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને અનુલક્ષીને તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પણ ઝંડાચોકથી બેંક રોડ, કે.કે. કદમ વિદ્યાલય થઇ સયાજી ગ્રાઉન્ડ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.આ તિરંગા યાત્રાને નગરજનોએ પુષ્પવર્ષા થકી વધાવી લીધી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહુવા-વાલોડના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તિરંગા યાત્રાના આયોજનનો આશય સ્પષ્ટ કરી કેન્દ્ર અને રાજયની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા લોક વિકાસના કામો અંગે વિગતે જાણકારી આપી હતી.સયાજી ગ્રાઉન્ડ ખાતે યાદ કરો કુરબાની સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વ્યારાના કલાકારોએ દેશભક્તિ ગીતો દ્વારા વાતાવરણને દેશભક્તિપૂર્ણ બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ આતશની સાક્ષીએ તિરંગાની આન, બાન અને શાનનું જતન કરવા તથા રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ તથા સામાજીક સમરસતાનું જતન કરવા માટે સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશભાઇ જોખી, માજી પ્રમુખ દિપાલીબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ રાકેશભાઇ કાચવાલા, જિલ્લા કલેકટર એન.કે ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા,સીનીયર કોચ ચેતનભાઇ પટેલ,અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નગરસેવકો,શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500