તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત,પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિનની ઉજવણી કરવાનું નિર્ધારિત કરાયું છે,જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના નિઝર ખાતે આર.જી.પટેલ શાળાની પાસેના મેદાનમાં જિલ્લા કક્ષાના ‘વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
ઉજવણીના સ્થળે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટરશ્રી એન.કે.ડામોર દ્વારા રિહર્સલ અને તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તમામ પાસાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર સમગ્ર કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો,વેશભૂષા અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ છેડીને મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરશે.ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ પણ આ વેળાએ માણવા મળશે.જ્યારે તાપી જિલ્લાના આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ,પ્રગતિશીલ ખેડૂતો, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ઝળકેલા ખેલાડીઓ, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા અગ્રગણ્ય નાગરિકોનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવશે.આ ઉપરાંત વિવિધ ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેકો,અધિકારપત્રો તથા કીટનું વિતરણ કરાશે.આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ,વન અને પ્રવાસન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500