અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં 6.3ની તિવ્રતાના ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેને કારણે અનેક ઇમારતો ધરાશાયી થઇ હતી અને 15 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 40થી વધુ લોકો ઘવાયા હતા, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. બે મોટા આંચકા બાદ પણ સામાન્ય અને ઓછી તિવ્રતાના અનેક આંચકા આવ્યા હતા.
અમેરિકાની એજન્સીઓના જણાવ્યા અનુસાર શનિવારે એક સરખી 6.3ની તિવ્રતાના બે આંચકા આવ્યા હતા. હેરાત શહેરથી માત્ર 40 કિમી દૂર આ આંચકા આવ્યા હતા. ત્યારબાદ 5.9 અને 5.5ની તિવ્રતાના બે આંચકા આવ્યા હતા. જોકે અમેરિકાની યુએસજીએસ એજન્સી દ્વારા જાહેર કરાયેલા નક્શા અનુસાર એક જ સમયગાળા દરમિયાન ભૂકંપના સાત આંચકા આવ્યા હતા. હેરાત શહેરના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ભૂકંપના આંચકા આવ્યો. લોકોએ પોતાની ઓફિસ, સરકારી કચેરીઓ, દુકાનો બધુ જ ખાલી કરી દીધુ અને રોડ પર આવી ગયા હતા. ભૂકંપના આંચકા બાદ ટેકિફોન કનેક્શન પણ ઠંપ થઇ ગયા હતા અને વિજળી પણ જતી રહી હતી. જેને કારણે કોમ્યૂનિકેશન કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઇરાન સરહદે આવેલા હેરાત પ્રાંતમાં આવેલા ભૂકંપ બાદ લોકો મદદ માટે આમતેમ ભટકી રહ્યા હતા. તાલિબાન શાસકો મદદ પુરી પાડવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે. તાલિબાને મહિલાઓ પર પ્રતિબંધ મુકી દીધા બાદ આંતરરાષ્ટ્રીય ફંડ અને મદદ તેમજ અનેક એનજીઓની સહાય પણ બંધ થઇ ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500