તાલિબાને સત્તા મેળવ્યા બાદ આર્થિક સહિતની સમસ્યાઓનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન પર વધુ એક આફત આવી પડી છે. અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે કાટમાળમાં દબાઇ જવાથી 1500થી વધુ લોકો ઘવાયા છે અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તાલિબાને સત્તા મેળવ્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અફઘાનિસ્તાન ખાલી કરી ચુકી છે જેને પગલે હાલ રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે.
ભૂકંપના આ આચકા અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અનુભવાયા હતા જેની તિવ્રત્તા 6.1ની હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વમાં ખોસ્ત શહેરમાં હતું. સ્થાનિક મીડિયા અને પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે.
જ્યારે 1500થી વધુ લોકો ઘવાયા છે. ભૂકંપને કારણે ચારેય બાજુ તબાહીનો નજારો છે અને અફરા તફરી મચી ગઇ છે. આર્થિક રીતે કંગાળ થઇ ચુકેલા અફઘાનિસ્તાનના નાગરિકોને સહાય પુરી પાડવામાં સત્તાધારી તાલિબાનીઓ નિષ્ફળ સાબીત થઇ રહ્યા છે. તાલિબાન પાસે રેસ્ક્યૂ ઓપરેશન અને રાહત બચાવ કાર્યો માટે પુરતા સંસાધનો અને સુવિધાઓનો અભાવ છે.
પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે, ભૂકંપની અસર અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાનના અનેક ગામડાઓ અને ઇસ્લામાબાદ જેવા શહેરો સુધી મહેસૂસ થઇ હતી. પાકિસ્તાન અને ભારત બન્નેએ અફઘાનિસ્તાનના નાગરિકોને મદદનો હાથ લંબાવ્યો છે અને સહાયતા મોકલી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે પ્રભાવિત લોકો, પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે ભારત સંવેદના વ્યક્ત કરે છે. અમે અફઘાનિસ્તાનના નાગરિકોની સહાયતા માટે પ્રતિબદ્ધ છીએ અને સમય આવ્યે યોગ્ય મદદ પણ પહોંચાડીશું. વેટિકન પોપ ફ્રાન્સિસે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લોકોને પણ ઘાયલોને મદદ કરવા માટે અપીલ કરી હતી.
અફઘાનિસ્તાનમાં છેલ્લે 1998માં 6.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 4500 લોકો માર્યા ગયા હતા. હાલ જે ભૂકંપ આવ્યો છે તે પહાડી વિસ્તાર હોવાથી ભુસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. જેથી અનેક રોડ બ્લોક થઇ ગયા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે અડચણ સામે આવી રહી છે. અંતરીયાળ વિસ્તારોમાં અનેક લોકો માર્યા ગયા હોવાની શક્યતાઓ છે જેથી મૃત્યુઆંક વધી શકે છે.
આંતરરાષ્ટ્રીય એજન્સીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ પેટાળમાં 10 કિમી જ દુર હતું જેને પગલે વધુ અસર જોવા મળી હતી જ્યારે આંચકા આશરે 500 કિમી સુધી અનુભવાયા હતા. સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના પાકટિકા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. યૂરોપિયન એજન્સીઓના જણાવ્યા અનુસાર ભારતમાં પણ આ ભૂકંપના આચકાની અસર જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500