નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં વિદેશની દારૂની મહેફિલ માણતા સુરતના 6 યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગણદેવી પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દારૂના જત્થા,કાર,મોબાઇલ અને રોકડ સહિત કુલ 22.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, ગણદેવા ગામે આવેલા હટવાડા ફળીયામાં નહેર પાસેના એક ફાર્મ હાઉસમાં શનિવારે મધરાતે કેટલાક યુવાનો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. આથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે 6 યુવકને ઝડપી પાડ્યા હતા. આ સાથે સ્થળ પરથી પોલીસે વ્હીસ્કી, બિયરની 63 બોટલ (કિંમત રૂ.43.300), 4 કાર, 9 મોબાઇલ, સાઉન્ડ સિસ્ટમ, રોકડ સહિત કુલ રૂ. 22.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ગણદેવી પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમામ આરોપી સુરતના
પકડાયેલા આરોપીઓમાં 21 વર્ષીય દિક્ષિત ચોવટિયા, કુણાલ ગાબાણી (ઉ.વ 36), રાજુભાઇ પટેલ (ઉ.વ 39), જીજ્ઞેશ વીઠાણી (ઉ.વ 35), મીતેશભાઇ ભરોડીયા (ઉ.વ.45), નિકુંજભાઇ નાવડિયા (ઉ.વ.32) સામેલ છે. પૂછપરછમાં તમામ આરોપી સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જોકે,આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500