ઝારખંડના હજારીબાગ સ્થિત સ્કુલના 6 મિત્રોના ડુબી જવાથી મોત નિપજવાની ઘટના સામે આવી છે. રાજ્યના હઝારીબાગ સ્થિત સ્કુલના 6 મિત્રો ઈચાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લોટવા ડેમમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે, જેમાંથી 3 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 3ની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો છે અને જિલ્લા વહિવટીતંત્રને પણ પુરજોશમાં રાહત-બચાવ કાર્ય કરવા આદેશ આપી દીધો છે.
મળતા અહેવાલો મુજબ આ તમામ વિદ્યાર્થીઓ હજારીબાગના માઉન્ટ એગ્મોંટ સ્કુલમાં પ્લસ-ટુમાં ભણતા હતા. સ્કુલના 6 મિત્રો સવારે લગભગ 10 વાગે હજારીબાગથી બાઈક અને સ્કુટી પર નિકળ્યા હતા અને ત્યાંથી તેઓ હજારીબાગ નેશનલ પાર્ક પાસે આવેલ ડેમમાં નહાવા ગયા હતા. અહીં તમામે કિનારા પર સ્કુલ ડ્રેસ ઉતારી દીધો અને નહાવા માટે ડેમમાં ઉતરી ગયા.
એવું મનાઈ રહ્યું છે કે, આ 6 મિત્રોમાંથી કોઈ એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો, જેને બચાવવા તમામ ડુબી ગયા, જ્યારે એક વિદ્યાર્થી હેમખેમ બહાર નિકળ્યો. ઘટનાની જાણ થતાં જ ઈચાક પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ડુબી ગયેલા વિદ્યાર્થીઓમાં હજારી બાગના ઓકલી મોહલ્લામાં રહેતો રજનીશ પાંડે અને સુમિત કુમાર, મટવારીનો મયંક સિંહ, દીપૂગઢાનો પ્રવીણ ગોપ, પીટીસી ચોકનો ઈશાન સિંહ અને મટવારી ગાંધી કોલોનીનો શિવસાગર સામેલ છે.ઘટનાને લઈ મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, હું લોટવા ડેમની ઘટનાથી ખુબ જ દુઃખી છું. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ભગવાન ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોની આત્માને શાંતિ આપે, આ વિકટ સમયમાં શોકગ્રસ્ત પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500