ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં ધાનજ અને પિયજ ગામમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ખાનગી બાતમીને આધારે દરોડો પાડયો હતો. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ અને મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પલસાણા ગામથી ધાનજ તરફ જવાના રોડ ઉપર ખરાબા લમાં ત્રણ જુગારીઓ જૂગટું રમતા હોવાની કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી.
પોલીસે બાતમીને આધારે જુગારના સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોઈને જુગારીઓ ભાગવા ગયા ત્યારે કોર્ડન કરીને તેમને ઝડપી લીધા હતા. પોલીસે કલ્પેશભાઈ કનુભાઈ પટેલ (રહે.ધાનજ), સુરેશકુમાર ચતુરજી ઠાકોર (રહે.સઇજ) અને કિશોરકુમાર ભવાનજી ઠાકોરની અંગઝડતી કરીને રૂપિયા 12,380/-રૂપિયા કબજે કર્યા હતા. જયારે જુગારના એક અન્ય બનાવમાં ત્રણ શકુનિઓ ઝડપાયા હતા. પિયજ ગામમાં ત્રણ જુગારીઓની પોલીસે અટકાયત કરી હતી.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પિયજ ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે વિષ્ણુભાઈ જયંતીભાઈ નાયક (રહે.પિયજ), લાભુજી રમણજી ઠાકોર (રહે.પિયજ) અને પ્રવીણજી પોપટજી ઠાકોર (રહે.પિયજ)ની અટકાયત કરીને 10,600/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આમ, પોલીસે 6 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500