દેશમાં સતત વધી રહેલા અકસ્માતો બાદ મુસાફરોની સુરક્ષા અને સલામતી માટે કારમાં 6 એરબેગ્સની અનિવાર્યતા જણાતી હતી ત્યારે હવે 1 ઓક્ટોબર,2023થી પેસેન્જર કારોમાં 6 એરબેગ્સનો નિયમ લાગૂ થઇ જશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઑટો ઇન્ડસ્ટ્રીને સપ્લાય ચેઇનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે પેસેન્જર કારમાં 6 એરબેગ્સ અનિવાર્ય કરવાનો નિર્ણય 1 ઓક્ટોબર,2023થી લાગૂ કરાશે.અગાઉ માર્ગ પરિવહન મંત્રાલયે આ જ વર્ષે 1 ઓક્ટોબર,2022થી 6 એરબેગ્સને જરૂરી કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો.નીતિન ગડકરીએ ટ્વિટ મારફતે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું હતું કે ઑટો ઇન્ડસ્ટ્રી સામે વૈશ્વિક સપ્લાય ચેઇનના પડકારો છે અને તેની મેક્રો ઇકોનોમિક સ્થિતિને ધ્યાનમાં રાખતા એ નિર્ણય લેવાયો છે કે પેસેન્જર કારમાં 6 એરબેગ્સના નિયમને 1 ઓક્ટોબર,2023થી અનિવાર્ય કરાશે.
માર્ગ પરિવહન મંત્રીએ આગળ ટ્વિટ કરીને લખ્યું કે કોઇપણ પેસેન્જર વ્હીકલમાં યાત્રા કરતા દરેક યાત્રીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. દરેક ગ્રાહકોની સુરક્ષા સર્વોચ્ચ છે. નોંધનીય છે કે ભારતીય માર્ગો પર ચાલતી લાખો કારમાંથી માત્ર ચુનંદા કારોમાં જ 6 એરબેગ્સની સુવિધા મળી રહી છે. દેશમાં 10 ટકાથી પણ ઓછી કારમાં 6 એરબેગ્સ ફીચર્સની સુવિધા છે.
કોઇપણ પેસેન્જર કારમાં એરબેગ્સને સૌથી વધુ જરૂરી સેફ્ટી ફીચર્સ તરીકે જોવામાં આવે છે. માત્ર મોંઘી કારમાં જ 6 એરબેગ્સની સુવિધા ઉપલબ્ધ છે.મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે વાહન યાત્રીઓની સુરક્ષા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમ,1989માં ફેરફારનો નિર્ણય કરાયો છે. જેથી કરીને વાહનોની સુરક્ષા વધારી શકાય. તાતા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું હાલમાં જ એક માર્ગ દુર્ઘટનામાં મોત થયું છે. ત્યારબાદથી કારમાં પાછળની સીટ્સ પર બેઠેલા યાત્રીઓની સેફ્ટીને લઇને ચર્ચા તેજ બની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500